એશિયન પેરા ગેમ્સ 2026 શરૂ થાય તે પહેલાં ભારતીય પેરા શૂટિંગમાં સિલેક્શનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કેટલાક પેરા શૂટર્સે સિલેક્શન પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર, પૈસાની માંગ અને ક્વોટા તથા સ્કોરમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ખેલાડીઓએ આ મામલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના ડાયરેક્ટર જનરલને રજૂઆત કરીને તાત્કાલિક સ્વતંત્ર તપાસની માંગ કરી છે. બીજી તરફ, પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI)એ આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
20% કમિશન માંગ્યાનો આક્ષેપ
ખેલાડીઓની રજૂઆતમાં સૌથી ગંભીર આક્ષેપ સરકારી કેશ એવોર્ડ સાથે જોડાયેલો છે. શૂટર્સનો આરોપ છે કે પસંદગી માટે ખેલાડીઓ પાસેથી તેમના સરકારી કેશ એવોર્ડની 20% રકમ કમિશન તરીકે માંગવામાં આવી હતી. ખેલાડીઓએ એવો પણ દાવો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય વાઈલ્ડ કાર્ડ અને ક્વોટા સ્લોટની ફાળવણી રેન્કિંગ અને પ્રદર્શનના બદલે પૈસાના આધારે કરવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ભારતને મળેલા 15 આંતરરાષ્ટ્રીય ક્વોટા સ્લોટમાંથી 2 સ્લોટ એવા ખેલાડીઓએ સ્વીકાર્યા નહોતા, જેઓ આગળની રેન્ક પર હતા પરંતુ કથિત નાણાકીય માંગ પૂરી કરવા તૈયાર નહોતા. શૂટર્સે સિલેક્શન ટ્રાયલના સ્કોરમાં ફેરફાર કરવાનો અને સ્પોર્ટ્સ મંત્રાલયના નક્કી કરેલા માપદંડોનું પાલન ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
એશિયામાં 3 નંબરના ખેલાડીએ પણ સવાલ ઉઠાવ્યો
વિરોધ કરી રહેલા ખેલાડીઓમાં પેરા શૂટર સંદીપ કુમાર પણ સામેલ છે. P4 50 મીટર ફ્રી પિસ્તોલ SH1 કેટેગરીમાં એશિયામાં 3 નંબર પર રહેલા સંદીપે પોતાના સિલેક્શનને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે દાવો કર્યો કે એશિયામાં નંબર-1 ખેલાડી આકાશ અને તેમને બહાર રાખીને એશિયામાં 14મા ક્રમે રહેલા રુદ્રાંક્ષ ખંડેલવાલની પસંદગી કરવામાં આવી છે. સંદીપે કહ્યું કે તેમણે સિલેક્શન અંગેના દસ્તાવેજો PCIના અધિકારીઓને બતાવ્યા હતા, પરંતુ તેમને કોઈ યોગ્ય આશ્વાસન મળ્યું નથી. બીજી તરફ આકાશે આરોપ લગાવ્યો કે તેણે શૂટિંગ કોચ જય પ્રકાશ નૌટિયાલનું નામ પોતાના કોચ તરીકે ન લખાવ્યું હોવાથી તેને સિલેક્શનમાંથી બહાર કરવામાં આવ્યો. આ ખેલાડીઓએ સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
PCI પ્રમુખે તમામ આરોપો ફગાવ્યા
આ સમગ્ર વિવાદ વચ્ચે PCIના પ્રમુખ અને 2 વખતના પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાએ ખેલાડીઓના આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે એશિયન પેરા ગેમ્સ માટે ટીમની પસંદગી નક્કી કરાયેલા માપદંડો અને સ્પોર્ટ્સ મંત્રાલયની ગાઈડલાઈન્સ પ્રમાણે કરવામાં આવી છે. ઝાઝરિયાના જણાવ્યા મુજબ સિલેક્શનમાં કોઈ ખેલાડી સાથે ભેદભાવ કરવામાં આવ્યો નથી અને સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવી છે. તેમણે સંદીપ દ્વારા કોચ સાથે જોડાયેલા ખેલાડીના ફાયદા માટે પોતાને બહાર રાખવામાં આવ્યા હોવાના આરોપને પણ ખોટો ગણાવ્યો છે.
18 ઓક્ટોબરથી શરૂ થશે એશિયન પેરા ગેમ્સ
Aichi-Nagoya એશિયન પેરા ગેમ્સ 18થી 24 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાવાની છે. સિલેક્શનને લઈને વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય ખેલાડીઓની રવાના થવાની પ્રક્રિયા ચાલી રહી છે. બુધવારે ખેલાડીઓએ SAIને રજૂઆત કરી હતી અને ગુરુવારે ભારતીય ટીમની સેન્ડ-ઓફ સેરેમની દરમિયાન પણ પેરા શૂટર્સે વિરોધ કર્યો હતો.
સ્પોર્ટ્સ મંત્રાલયના એક સૂત્ર અનુસાર ખેલાડીઓની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે, પરંતુ એશિયન પેરા ગેમ્સ માટેની ટીમનું સિલેક્શન અંતિમ થઈ ચૂક્યું છે. બીજી તરફ ખેલાડીઓએ કહ્યું છે કે તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
આ પણ વાંચો: Nana Patekar: 40ની ઉંમરે હાથમાં રાઈફલ, નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો મેડલ