ભારતની 19 વર્ષની પૂજા સિંહે 22મી એશિયન 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શુક્રવારે હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. હોંગકોંગમાં પોતાની ઐતિહાસિક સિદ્ધિમાં પૂજાએ 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો.
પૂજા સિંહે 2012માં સહાના કુમારીએ બનાવેલા 14 વર્ષ જૂના સિનિયર રાષ્ટ્રીય રેકોર્ડને 1.93 મીટરના કૂદકા સાથે તોડ્યો. સહાનાએ અગાઉ 1.92 મીટરના કૂદકા સાથે આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે પૂજા ચેમ્પિયનશિપમાં મહિલા હાઈ જમ્પ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની.
પૂજાએ પહેલા 1.91 મીટરના કૂદકા સાથે અંડર-20 રાષ્ટ્રીય રેકોર્ડમાં સુધારો કર્યો અને ગોલ્ડ મેડલ મેળવ્યો. પછી તેનાથી પણ મોટા કૂદકા સાથે તેણે સિનિયર રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો.
કોમનવેલ્થ ગેમ્સ ક્વોલિફિકેશનનો આંકડો પણ પાર કર્યો
1.93 મીટરના કૂદકા સાથે પૂજાએ 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈંગ માર્ક પણ પાર કરી દીધો, જે 1.92 મીટર હતો. પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા તેને મુક્તિ આપશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે ફેડરેશન કપ, કોમનવેલ્થ ગેમ્સ માટેની અંતિમ ક્વોલિફાઈંગ ઈવેન્ટ, પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે.
https://twitter.com/mansukhmandviya/status/2060341496566657465
રમતગમત મંત્રીએ ઉત્સાહ વધાર્યો
કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પૂજા સિંહને અભિનંદન આપતા એક પોસ્ટ શેર કરી. તેમને લખ્યું છે "ટોપ્સ એથ્લીટ પૂજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. તેના 1.93 મીટરના કૂદે રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ!"
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પોસ્ટ શેર કરી
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પૂજા સિંહને તેની ઐતિહાસિક સિદ્ધિ માટે પ્રોત્સાહિત કરી. તેમને પોતાના એકાઉન્ટ પર લખ્યું છે કે "આપણી ભારતની આશાસ્પદ પુત્રી પૂજા સિંહને હાર્દિક અભિનંદન, જેમણે હોંગકોંગમાં આયોજિત '22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026'માં 'મહિલા હાઈ જમ્પ' ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને અને 14 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો."
આગળ લખ્યું છે કે "પૂજા દીકરી, આપણે બધા દેશવાસીઓને તારા પર ગર્વ છે, તારો 1.93 મીટરનો ઐતિહાસિક કૂદકો નવા ભારતના મહિલા શક્તિના આત્મવિશ્વાસ, દૃઢ નિશ્ચય અને ઉંચી ઉડાનનું પ્રતિબિંબ છે. તારા ઉજ્જવળ ભવિષ્ય અને આવનારી સફળતાઓ માટે શુભકામનાઓ."
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?