વિશ્વના ટોચના ચેસ ખેલાડીઓ વચ્ચે હવે એક એવી ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે, જેમાં માત્ર એક ફોર્મેટમાં સારું રમવું પૂરતું નહીં હોય. ખેલાડીઓએ બ્લિટ્ઝ, રેપિડ અને ફાસ્ટ ક્લાસિકલ એમ ત્રણેય ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે. હંગેરીના બુડાપેસ્ટમાં 10થી 20 નવેમ્બર દરમિયાન યોજાનારી ટોટલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂરની પાયલટ ટુર્નામેન્ટમાં ભારતના આર. પ્રજ્ઞાનંદ, અર્જુન એરીગૈસી અને આર. વૈશાલી ભાગ લેશે. તેમની સામે વિશ્વના નંબર-1 મેગ્નસ કાર્લસન સહિત 24 દિગ્ગજ ખેલાડીઓનો પડકાર રહેશે. 

પ્રજ્ઞાનંદ શાનદાર ફોર્મ સાથે ઉતરશે

ભારતના પ્રજ્ઞાનંદ માટે આ ટુર્નામેન્ટ ખાસ છે. આ વર્ષે તેણે નોર્વે ચેસ અને ગ્રાન્ડ ચેસ ટૂર બંનેના ખિતાબ જીત્યા છે. ગ્રાન્ડ ચેસ ટૂરની ફાઇનલમાં તેણે અમેરિકાના ફેબિયાનો કારુઆનાને 15-13થી હરાવ્યો હતો. અંતિમ દિવસે છ પોઇન્ટ પાછળ હોવા છતાં તેણે શાનદાર વાપસી કરી હતી. ઓક્ટોબરમાં યોજાયેલા ક્લચ ચેસ ચેમ્પિયન્સ શોડાઉનમાં પણ તે ફાઇનલ સુધી પહોંચ્યો હતો, જ્યાં ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવ સામે તેને ઉપવિજેતા બનવું પડ્યું હતું. હવે ત્રણ અલગ ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની તેની સામે નવી કસોટી હશે. 

અર્જુન અને વૈશાલી પર પણ નજર

ભારતના 23 વર્ષીય અર્જુન એરીગૈસી પણ તાજેતરના સારા પ્રદર્શન સાથે ટુર્નામેન્ટમાં ઉતરશે. તે સમરકંદમાં યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની સિલ્વર મેડલ જીતનાર ટીમનો ભાગ હતો. ત્યારબાદ યુરોપિયન ક્લબ કપમાં તેણે સાતમાંથી પાંચ પોઇન્ટ મેળવ્યા હતા. તેમાં ત્રણ જીત અને ચાર ડ્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ આર. વૈશાલી માટે આ ટુર્નામેન્ટ મોટો પડકાર રહેશે. 24 ખેલાડીઓના આ મેદાનમાં તે માત્ર બે મહિલા ખેલાડીઓમાંથી એક છે. એપ્રિલમાં મહિલા કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતીને તેણે ચીનની જુ વેનજુન સામે વિશ્વ ખિતાબ માટે રમવાનો અધિકાર મેળવ્યો હતો. હવે તેને પુરુષ ખેલાડીઓના મજબૂત મેદાનમાં ત્રણેય ફોર્મેટમાં પોતાની રમત બતાવવાની તક મળશે. 

ટુર્નામેન્ટનું ફોર્મેટ સૌથી અલગ

આ ટુર્નામેન્ટ નોર્વે ચેસની કલ્પના પર તૈયાર કરવામાં આવી છે અને FIDEની મંજૂરીથી યોજાઈ રહી છે. તેનો હેતુ ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને ઓળખવાનો છે. શરૂઆતમાં નવ રાઉન્ડની બ્લિટ્ઝ સ્વિસ સ્પર્ધા રમાશે. તેમાં દરેક ખેલાડીને ચાલ દીઠ બે સેકન્ડના વધારા સાથે ત્રણ મિનિટનો સમય મળશે. ત્યારબાદ 24 ખેલાડીઓને છ-છના ચાર જૂથમાં વહેંચવામાં આવશે. દરેક ખેલાડી પોતાના જૂથના પાંચ હરીફ સામે બે વખત રમશે. આ તબક્કામાં ફાસ્ટ ક્લાસિકલની મેચો રમાશે, જેમાં દરેક ખેલાડીને 45 મિનિટ અને દરેક ચાલ પછી 30 સેકન્ડનો વધારો મળશે. જીત માટે ત્રણ અને ડ્રો માટે એક પોઇન્ટ મળશે. જૂથ તબક્કા પછી ખેલાડીઓ નોકઆઉટમાં પહોંચશે. અહીં બે દિવસના મુકાબલામાં ચાર બ્લિટ્ઝ, બે રેપિડ અને એક ફાસ્ટ ક્લાસિકલ ગેમ રમાશે. પરિણામ બરાબર રહે તો આર્માગેડન ગેમથી વિજેતા નક્કી થશે. 19 અને 20 નવેમ્બરે નિર્ણાયક નોકઆઉટ મુકાબલા રમાશે. 

આ ટુર્નામેન્ટ માત્ર એક ખિતાબ માટેની સ્પર્ધા નથી. 2027માં શરૂ થનારી સંપૂર્ણ ટોટલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર પહેલાં આ પાયલટ સ્પર્ધા નવા ફોર્મેટની કસોટી પણ છે. ભારતના ત્રણ ખેલાડીઓ માટે કાર્લસન જેવા દિગ્ગજો સામે પોતાની ક્ષમતા સાબિત કરવાની આ મોટી તક રહેશે.

આ પણ વાંચો: Sandesh Explainer: પુરુષો VS મહિલાઓ: હવે રમતગમતના મેદાનની બહાર પણ શરૂ થઈ નવી ટક્કર!