ભારતીય બેડમિન્ટન ખેલાડીઓના વિદેશ પ્રવાસ માટે સરકારી ફંડિંગનો મુદ્દો ચર્ચામાં છે. આ વિવાદ વચ્ચે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ખેલાડીઓને મળતી આર્થિક સહાયનો બચાવ કર્યો છે. તેણે ખાસ કરીને યુવા ખેલાડીઓની મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરતાં સવાલ કર્યો છે કે જો 18 વર્ષની કોઈ ખેલાડી પાસે સ્પોન્સર કે પૂરતા પૈસા ન હોય, તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે રમશે? સિંધુ અને લક્ષ્ય સેને તાજેતરમાં જર્મનીમાં યોજાયેલી હાઇલો ઓપનમાં સિંગલ્સ ટાઇટલ જીત્યાં હતાં. જોકે, આ સફળતા પહેલાં બંને સહિત ભારતીય ખેલાડીઓને યુરોપના ચાર ટુર્નામેન્ટના પ્રવાસનો ખર્ચ પોતે ઉઠાવવો પડ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) તરફથી આ પ્રવાસ માટે અપેક્ષિત ફંડિંગ મળ્યું નહોતું.

ટેનિસ અને બેડમિન્ટનની ઇનામી રકમમાં મોટો તફાવત

સિંધુએ સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરતાં ટેનિસ અને બેડમિન્ટનની ઇનામી રકમ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેના જણાવ્યા અનુસાર, વિમ્બલ્ડનમાં પ્રથમ રાઉન્ડમાં હારનાર ખેલાડીને પણ 80,000 પાઉન્ડ મળે છે. જ્યારે બેડમિન્ટનની સૌથી મોટી સ્પર્ધાઓમાંની એક ચાઇના ઓપન જીતવા પર 1.40 લાખ ડોલર મળે છે અને પ્રથમ રાઉન્ડમાં હારનાર ખેલાડીને માત્ર 2,000 ડોલર મળે છે. સિંધુએ કહ્યું કે બંને રમતોમાં ખેલાડીઓના પ્રવાસ, કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, ટ્રેનર અને સપોર્ટ ટીમનો ખર્ચ લગભગ સરખો હોય છે. પરંતુ ઇનામી રકમમાં મોટો તફાવત છે. તેણે આ મુદ્દે ટેનિસ ખેલાડી રોહન બોપન્ના સાથે પણ ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું.

યુવા ખેલાડીઓ પાસે સ્પોન્સરશિપનો વિકલ્પ નથી

સિંધુએ સ્વીકાર્યું કે સ્થાપિત ખેલાડીઓએ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. તેની પાસે સ્પોન્સર્સ છે અને તે પોતાના પ્રવાસનો ખર્ચ ઉઠાવી શકે છે. પરંતુ દરેક ખેલાડી પાસે આવી સુવિધા હોતી નથી. તેણે સવાલ કર્યો કે જે 18 વર્ષની ખેલાડી ભવિષ્યમાં પીવી સિંધુ કે લક્ષ્ય સેન બનવાનું સપનું જુએ છે, તેની મદદ કોણ કરશે? સિંધુએ કહ્યું કે તાજેતરના યુરોપ પ્રવાસ દરમિયાન કેટલાક યુવા ખેલાડીઓએ કોચ વિના સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યારે અનેક ખેલાડીઓએ ખર્ચને કારણે ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચ્યું હતું.

SAIએ ફંડિંગ ન આપવાનું કારણ શું જણાવ્યું?

આ મામલે SAIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા (BAI)એ નિર્ધારિત સમયમર્યાદામાં ખેલાડીઓનાં નામ સાથેનો પ્રસ્તાવ રજૂ કર્યો નહોતો. નવા નિયમો પ્રમાણે ટુર્નામેન્ટના ઓછામાં ઓછા 30 દિવસ પહેલાં પ્રસ્તાવ મોકલવો જરૂરી છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે ફંડિંગ અટકાવવાનો નિર્ણય એશિયન ગેમ્સમાં ખેલાડીઓના પ્રદર્શનને કારણે નહોતો. સિંધુએ સરકાર અને SAI તરફથી વર્ષોથી મળેલા સહયોગની પણ પ્રશંસા કરી હતી. જોકે, તેણે ભારપૂર્વક કહ્યું કે ખેલાડીઓને મદદ કરવી એ સરકારી વ્યવસ્થા પર બોજ નથી, પરંતુ દેશના રમતગમતના ભવિષ્યમાં રોકાણ છે.

આ પણ વાંચો: Harry Kane: ફૂટબોલના સૌથી મોટા એવોર્ડ પછી કિંગ કોહલીનો મેસેજ: હેરી કેને કહ્યું- "હું દંગ રહી ગયો!"