ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને તેના પતિ પારુપલ્લી કશ્યપે તેમના લગ્નને બીજી તક આપવાનો નિર્ણય લીધો છે. દિગ્ગજ મહિલા ખેલાડીએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ જાણકારી આપી છે.


શનિવારે તેને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેના પતિ સાથેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું છે કે 'ક્યારેક અંતર તમને હાજરીનું મહત્વ શીખવે છે. અમે ફરીથી પ્રયાસ કરી રહ્યા છીએ.'

અલગ થવાનો નિર્ણય પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો હતો

બે વખતની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન સાઈના નેહવાલે 13 જુલાઈએ જાહેરાત કરી હતી કે તે પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે. તેને લખ્યું હતું કે 'જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણા વિચાર કર્યા પછી, મેં અને પારુપલ્લી કશ્યપે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે આપણા અને એકબીજા માટે શાંતિ, વિકાસ અને ઉપચાર પસંદ કરી રહ્યા છીએ.'


સાઈના નેહવાલે લખ્યું હતું કે 'હું તે યાદો માટે આભારી છું અને ભવિષ્ય માટે તમને શુભકામનાઓ પાઠવું છું. આ સમય દરમિયાન અમારી પ્રાઈવસીને સમજવા અને આદર આપવા બદલ આભાર.' સાઈના અને ભૂતપૂર્વ શટલર પારુપલ્લી કશ્યપે ડિસેમ્બર 2018 માં લગ્ન કર્યા. બંનેએ લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. બધાથી પોતાનો પ્રેમ છુપાવીને રાખ્યો. પછી બંનેએ નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા લગ્ન કરી લીધા.

સાયના અને પારુપલ્લી કશ્યપનું કરિયર

સાઈનાએ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી 2012 માં સાઈના નેહવાલે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. તેણે 2015 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાઈનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ જીત્યા.

પારુપલ્લી કશ્યપે 2014 માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. આ પછી તેને ઓસ્ટ્રિયા ઓપન જેવી ઘણી મોટી ટુર્નામેન્ટ જીતી. પરંતુ પારુપલ્લી કશ્યપ ક્યારેય ઓલિમ્પિક મેડલ જીતી શક્યો નહીં.


  • Follow us on: