ભારતની સ્ટાર પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે.ચાઇના માસ્ટર્સ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરીને યજમાન ચીનની જોડી હે જી તિંગ અને રેન શિયાંગ યુને 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 11-21, 21-13, 21-17 થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.આ ઐતિહાસિક જીત સાથે સાત્વિક-ચિરાગની જોડીએ 92,500 ડોલર ની માતબર ઇનામી રકમ પણ મેળવી છે.

ત્રીજા પ્રયાસે જીત્યો ઐતિહાસિક ખિતાબ

ચાઇના માસ્ટર્સના મંચ પર સાત્વિક અને ચિરાગનો આ ત્રીજો ફાઇનલ મુકાબલો હતો.આ અગાઉ તેઓ વર્ષ 2023 અને 2025 માં ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ બંને વખતે તેમને રનર્સ-અપ એટલે કે ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે પૂર્વ વર્લ્ડ નંબર-4 ચીની જોડી સામે પ્રથમ ગેમ 11-21 થી એકતરફી ગુમાવ્યા છતાં ભારતીય જોડીએ દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજી ગેમ 21-13 થી જીતી મેચમાં બરાબરી કર્યા બાદ નિર્ણાયક ગેમમાં સાત્વિકના પાવરફુલ સ્મેશ અને ચિરાગના શાનદાર નેટ પ્લેના  દમ પર 21-17 થી મેચ સીલ કરી લીધી હતી. આ સાથે ભારતીય જોડીએ ચીની જોડી સામે અજેય રેકોર્ડ જાળવી રાખતાં હેડ-ટુ-હેડ રેકોર્ડ 3-0 કરી લીધો છે.

https://x.com/Media_SAI/status/2096573691694121117?s=20


સિઝનનો બીજો મોટો ખિતાબ અને આગામી પડકારો

સાત્વિક અને ચિરાગની જોડી માટે વર્તમાન સિઝનનો આ બીજો મોટો ખિતાબ છે. આ પહેલા તેમણે 'સિંગાપોર ઓપન સુપર 750'નો ખિતાબ જીત્યો હતો, જ્યારે 'થાઈલેન્ડ ઓપન સુપર 500'ના ફાઇનલમાં તેઓ ઉપવિજેતા રહ્યા હતા. સાત્વિકના ખભાની ઈજા અને ફિટનેસની સમસ્યાઓના કારણે આ સિઝન પડકારોથી ભરેલી રહી છે. તેમ છતાં મોટા મંચ પર દબાણ નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા આ પ્રદર્શનથી સાબિત થાય છે. 'એશિયન ગેમ્સ 2026' (Asian Games 2026) પહેલાં મળેલી આ શાનદાર જીત ભારતીય બેડમિન્ટન માટે મોટું મનોબળ પૂરું પાડનારી સાબિત થશે.

આ પણ વાંચો - China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા