ભારતની અનુભવી બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ 2026ની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય જોડીએ મલેશિયાની જોડીને 21-16, 18-21, 21-11થી હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 6 મિનિટ સુધી ચાલી હતી.હવે ફાઇનલમાં સાત્વિક અને ચિરાગનો સામનો ચીનની ઘરઆંગણાની જોડી સામે થશે. ભારતીય જોડી છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. જોકે, તેઓ અત્યાર સુધી એક પણ વખત ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતી શક્યા નથી. તેથી આ વખતે ભારતીય ચાહકોને સાત્વિક-ચિરાગ પાસેથી પ્રથમ વખત ચેમ્પિયન બનવાની મોટી આશા છે.
મલેશિયાની જોડી સામે ફરી ભારતનો દબદબો
વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે રહેલી સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ સેમિફાઇનલમાં શાનદાર રમત બતાવી હતી. બીજા સેટમાં થોડો પડકાર મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ નિર્ણાયક ત્રીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી.મલેશિયાની 29મા ક્રમાંકની જોડી સામે સાત્વિક અને ચિરાગનો રેકોર્ડ પહેલેથી જ સારો હતો. આ મેચ પહેલાં બંને જોડીઓ વચ્ચે 2 મુકાબલા રમાયા હતા અને બંનેમાં ભારતીય જોડીનો વિજય થયો હતો. સાત્વિક-ચિરાગે 2024 થાઇલેન્ડ ઓપન અને 2025 મલેશિયા ઓપનમાં પણ આ જોડી સામે જીત મેળવી હતી.ભારતીય જોડી 2023 અને 2025માં પણ ચાઇના માસ્ટર્સની રનર-અપ રહી ચૂકી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી આ જોડી હવે ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.
https://x.com/ani_digital/status/2096259001201885563?s=20
શરૂઆતમાં 0-5થી પાછળ હતા
સેમિફાઇનલની શરૂઆત ભારતીય જોડી માટે સારી રહી નહોતી. ચોથી ક્રમાંકિત સાત્વિક અને ચિરાગ એક સમયે 0-5થી પાછળ ચાલી રહ્યા હતા. જોકે બંને ખેલાડીઓએ જોરદાર વાપસી કરતાં સતત 7 પોઇન્ટ મેળવી લીધા હતા.મેચ દરમિયાન 34 શોટની લાંબી રેલી પણ જોવા મળી હતી. આ રેલી બાદ ભારતે 7-5ની સરસાઈ મેળવી હતી. મલેશિયાના ખેલાડી નૂરની કેટલીક ભૂલોનો ફાયદો ઉઠાવીને ભારતીય જોડી 10-6થી આગળ થઈ હતી. જોકે ત્યારબાદ સાત્વિક અને ચિરાગ તરફથી પણ કેટલીક ભૂલો થઈ હતી. તેમ છતાં ભારતીય જોડી બ્રેક સમયે 11-9થી આગળ હતી.
નિર્ણાયક સેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
બીજા સેટમાં મલેશિયાની જોડીએ 21-18થી જીત મેળવીને મેચને નિર્ણાયક ત્રીજા સેટમાં પહોંચાડી હતી.જોકે ત્રીજા સેટમાં સાત્વિક અને ચિરાગે શરૂઆતથી જ મજબૂત રમત બતાવી હતી.ભારતીય જોડીએ લાંબા શોટ્સ પર પોતાની પકડ જાળવી રાખી અને બ્રેક સુધી 11-4ની મોટી સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ સાત્વિકે જોરદાર સ્મેશ ફટકારીને ભારતની સરસાઈ 13-6 કરી હતી.મેચ આગળ વધતાં મલેશિયાના ખેલાડીઓ પર થાક સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ભારતીય જોડીએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી. ચિરાગના એક સચોટ શોટ બાદ ભારત મેચ જીતવાની નજીક પહોંચી ગયું હતું.મલેશિયાના ખેલાડી ટૈને શરૂઆતના 2 મેચ પોઇન્ટ બચાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ચિરાગે સચોટ સર્વ કરીને મહત્વનો પોઇન્ટ મેળવ્યો અને ભારતની જીત પર મહોર મારી હતી.હવે સાત્વિક-ચિરાગની નજર ચાઇના માસ્ટર્સની ટ્રોફી પર છે. અગાઉ 2 વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ખિતાબથી વંચિત રહેલી ભારતીય જોડી આ વખતે ચીનની ઘરઆંગણાની જોડી સામે પ્રથમ ચાઇના માસ્ટર્સ ટ્રોફી જીતવા માટે કોર્ટ પર ઉતરશે.
આ પણ વાંચો - US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત..