ભારતીય રમતજગતના જાણીતા ખેલાડીઓ હવે રમતગમતના વહીવટમાં પણ મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની એથ્લીટ્સ કમિશનની ચૂંટણીમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ સહિતના ખેલાડીઓ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જોકે, બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે સોમવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેના કારણે હવે 9 બેઠકો માટે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી 3 નવેમ્બર 2026ના રોજ વર્ચ્યુઅલી યોજાવાની છે. નવી એથ્લીટ્સ કમિશનનો કાર્યકાળ 2026થી 2030 સુધીનો રહેશે.
કોણ-કોણ છે ચૂંટણીના મેદાનમાં?
પી.વી. સિંધુ અને મીરાબાઈ ચાનુ ઉપરાંત ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ, મહિલા હોકી ટીમની કેપ્ટન સાલિમા ટેટે, શૂટર સ્વપ્નિલ કુસાલે અને ફેન્સર ભવાની દેવી પણ ઉમેદવારોમાં સામેલ છે. આ ઉપરાંત એથ્લેટિક્સમાંથી સુધા સિંહ અને તજિન્દરપાલ સિંહ, પૂર્વ તીરંદાજ બોમ્બાયલા દેવી તથા સ્વિમર સાજન પ્રકાશ પણ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. કિદામ્બી શ્રીકાંતનું નામ પાછું ખેંચાયા બાદ ઉમેદવારોની સંખ્યા 10 થઈ છે. આ પહેલાં 12 ખેલાડીઓનાં નામાંકન માન્ય જાહેર થયાં હતાં. મંજીત સિંહ મેડલ વિજેતા કેટેગરીમાં એકમાત્ર ઉમેદવાર હોવાથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
એથ્લીટ્સ કમિશનમાં કેવી રીતે થશે પસંદગી?
IOAના નિયમો પ્રમાણે એથ્લીટ્સ કમિશનમાં કુલ 10 સભ્યો હશે. તેમાં ઓછામાં ઓછા 4 એવા ખેલાડીઓ હોવા જરૂરી છે, જેમણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અથવા નેશનલ ગેમ્સની છેલ્લી 3 આવૃત્તિઓમાંથી કોઈ એકમાં મેડલ જીત્યો હોય. આ કેટેગરીમાં 2 પુરુષ અને 2 મહિલા ખેલાડીઓનો સમાવેશ થશે. બાકીની 6 બેઠકો ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીઓ માટે છે. તેમાં 3 પુરુષ અને 3 મહિલા ખેલાડીઓનો સમાવેશ થશે. આ રીતે કમિશનમાં પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન પ્રતિનિધિત્વ મળશે. મંજીત સિંહ મેડલ વિજેતા કેટેગરીમાં એકમાત્ર ઉમેદવાર હોવાથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે બાકીની 9 બેઠકો માટે ચૂંટણી યોજાશે. તેમાં 4 પુરુષ અને 5 મહિલા બેઠકોનો સમાવેશ થાય છે.
34 સભ્યો કરશે ઉમેદવારોની પસંદગી
આ ચૂંટણીમાં સામાન્ય રમતપ્રેમીઓ કે દેશના તમામ ખેલાડીઓ મતદાન કરવાના નથી. IOAએ 17 નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાંથી 2-2 પ્રતિનિધિઓ સાથે 34 સભ્યોનું ઇલેક્ટોરલ કોલેજ તૈયાર કર્યું છે. આ 34 સભ્યો જ એથ્લીટ્સ કમિશનના બાકીના સભ્યોની પસંદગી કરશે. IOAના નિયમો પ્રમાણે જે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન પાસે પોતાની એથ્લીટ્સ કમિશન નથી, તે ફેડરેશન પોતાના ખેલાડી પ્રતિનિધિઓની નિમણૂક આ પ્રક્રિયા હેઠળ કરી શકતું નથી. આ જ કારણસર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન, બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઇલેક્ટોરલ કોલેજમાં સામેલ નથી.
નવી કમિશનને મળશે મહત્વની જવાબદારી
એથ્લીટ્સ કમિશનનું કામ ખેલાડીઓના હિતો અને તેમની સમસ્યાઓને રમતગમતના વહીવટી માળખા સુધી પહોંચાડવાનું છે. આ કમિશનમાંથી એક પુરુષ અને એક મહિલા સભ્યને IOAની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ સ્થાન આપવામાં આવશે.
આથી સિંધુ, મીરાબાઈ ચાનુ અને અન્ય જાણીતા ખેલાડીઓ માટે આ ચૂંટણી માત્ર એક પદ મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ ભારતીય રમતગમતના નીતિ-નિર્ધારણ અને વહીવટમાં ખેલાડીઓનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ છે.
આ પણ વાંચો: Gujarat Government: એશિયન અને પેરા એશિયન ગેમ્સના વિજેતા ખેલાડીઓનું સન્માન, DYCMના હસ્તે 9.27 કરોડના ઈનામી ચેક વિતરણ