ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી સુમિત અંતિલે એશિયન પેરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. શુક્રવારે તેમણે પોતાની ખિતાબી જીતનું સફળતાપૂર્વક પુનરાવર્તન કર્યું હતું. સુમિતના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે પુરુષોની F42-44/61-64 સંયુક્ત સ્પર્ધામાં ત્રણેય મેડલ જીતીને મોટું ગૌરવ મેળવ્યું છે.બે વખતના પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને વિશ્વ રેકોર્ડધારી 28 વર્ષના સુમિતે પોતાના બીજા પ્રયાસમાં 72.46 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ પ્રદર્શન સાથે તેમણે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. સુમિત F64 વર્ગમાં ભાગ લઈ રહ્યા હતા અને અન્ય ખેલાડીઓ કરતાં આગળ રહ્યા હતા.
વિશ્વ રેકોર્ડ ભલે ન તૂટ્યો,પણ ગોલ્ડ જીત્યો
સુમિત અંતિલે 2023ની એશિયન પેરા ગેમ્સમાં 73.29 મીટરનો ભાલો ફેંકીને તે સમયનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આ વર્ષે મે મહિનામાં તેમણે પોતાનો જ રેકોર્ડ તોડીને 74.82 મીટરનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.આ વખતે સુમિત પોતાના વિશ્વ રેકોર્ડને તોડી શક્યા નહોતા, પરંતુ 72.46 મીટરના શાનદાર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. તેમની આ જીત ભારત માટે વધુ એક મોટી સિદ્ધિ બની છે.
મહેન્દ્ર ગુર્જરને સિલ્વર, સંદીપ સરગરને બ્રોન્ઝ
આ સ્પર્ધામાં ભારતના મહેન્દ્ર ગુર્જરે 59.03 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે સંદીપ સંજય સરગરે 64.48 મીટર દૂર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.મહેન્દ્ર F42 વર્ગમાં અને સંદીપ F44 વર્ગમાં ભાગ લઈ રહ્યા હતા. આ સંયુક્ત સ્પર્ધામાં ખેલાડીઓનું અંતિમ સ્થાન નક્કી કરવા માટે RAZA પોઇન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહેન્દ્રના RAZA પોઇન્ટ્સ સંદીપ કરતાં વધુ હોવાથી તેમને બીજું સ્થાન મળ્યું હતું. આમ, ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીતીને મેડલ સ્વીપ કર્યો હતો.
શું છે સંયુક્ત સ્પર્ધાનો નિયમ?
ભાલા ફેંક અને ચક્કા ફેંક જેવી મેદાની સ્પર્ધાઓમાં વધુ ખેલાડીઓને તક આપવા માટે અલગ-અલગ દિવ્યાંગતા વર્ગોને એક સંયુક્ત સ્પર્ધામાં સામેલ કરવામાં આવે છે.તેમાં F42, F44, F62 અને F64 જેવા વર્ગોના ખેલાડીઓ ભાગ લઈ શકે છે.આ વર્ગોના ખેલાડીઓની શારીરિક સ્થિતિ અને સ્પર્ધા કરવાની રીતમાં તફાવત હોય છે. તેથી માત્ર ફેંકેલા અંતરના આધારે જ પરિણામ નક્કી થતું નથી. ખેલાડીઓનું સ્થાન નક્કી કરવા માટે RAZA પોઇન્ટ્સ જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.F42 અને F44 વર્ગમાં પગના નીચેના ભાગને લગતી દિવ્યાંગતા ધરાવતા એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ કૃત્રિમ પગનો ઉપયોગ કર્યા વિના સ્પર્ધામાં ભાગ લે છે. જ્યારે F62 અને F64 વર્ગમાં ઊભા રહીને કૃત્રિમ પગની મદદથી સ્પર્ધા કરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - LA 2028 ઓલિમ્પિક માટે ક્રિકેટનો મહાસંગ્રામ! એક સ્થાન માટે 8 ટીમો વચ્ચે ટક્કર!