ગેમિંગની દુનિયાની સૌથી વધુ રાહ જોવાતી ગેમ્સમાંની એક GTA 6ને લઈને મોટી અપડેટ સામે આવી છે. રોકસ્ટાર ગેમ્સે 10 નવેમ્બરથી ગેમનું પ્રી-લોડિંગ શરૂ કરી દીધું છે. એટલે કે જે ખેલાડીઓએ ગેમનું ડિજિટલ પ્રી-ઓર્ડર કર્યું છે તેઓ રિલીઝ પહેલાં જ ગેમની ફાઇલો પોતાના કન્સોલમાં ડાઉનલોડ કરી શકશે. જોકે, ગેમને સત્તાવાર રીતે રમવા માટે 19 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. 

PS5 અને Xbox માટે અલગ સમય

રોકસ્ટારની સત્તાવાર માહિતી પ્રમાણે, PS5 પર પ્રી-લોડિંગ 10 નવેમ્બરે સ્થાનિક સમય મુજબ મધરાતથી શરૂ થયું છે. એટલે ભારતમાં PS5ના ખેલાડીઓ 10 નવેમ્બરની રાત્રે 12 વાગ્યાથી ગેમ ડાઉનલોડ કરી શકે છે. બીજી તરફ, Xbox Series X|S માટે પ્રી-લોડિંગનો સમય વૈશ્વિક સ્તરે 10 નવેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યે GMT રાખવામાં આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે આ સવારે 5:30 વાગ્યાનો સમય થાય છે. આ રીતે બંને કન્સોલના ખેલાડીઓ માટે ડાઉનલોડ શરૂ થવાનો સમય અલગ છે. 

ડાઉનલોડ માટે 212GB સુધી જગ્યા જરૂરી

GTA 6નું પ્રી-લોડિંગ કરવા માટે કન્સોલમાં પૂરતી સ્ટોરેજ જગ્યા હોવી જરૂરી છે. રોકસ્ટારના સત્તાવાર સપોર્ટ પેજ પ્રમાણે, ગેમ ડાઉનલોડ કરવા માટે 212GB સુધીની ખાલી જગ્યા રાખવી પડશે. કન્સોલ પ્રમાણે ફાઇલનું ચોક્કસ કદ અલગ હોઈ શકે છે. તેથી ખેલાડીઓએ ડાઉનલોડ શરૂ કરતાં પહેલાં પોતાના કન્સોલની સ્ટોરેજ તપાસી લેવી જોઈએ. જો જગ્યા ઓછી હોય તો જૂની ગેમ્સ અથવા બિનજરૂરી ફાઇલો હટાવી શકાય છે. 

પ્રી-લોડિંગ કેવી રીતે કરવું?

GTA 6નું પ્રી-લોડિંગ કરવા માટે ખેલાડીઓએ પહેલા PlayStation Store અથવા Microsoft Store પરથી ગેમનું ડિજિટલ પ્રી-ઓર્ડર કરેલું હોવું જોઈએ. ત્યાર બાદ પોતાના કન્સોલમાં એ જ એકાઉન્ટથી સાઇન ઇન કરીને ગેમ લાઇબ્રેરીમાં GTA 6 શોધવાની રહેશે. ત્યાંથી ડાઉનલોડ શરૂ કરી શકાશે. ખેલાડીઓ ઓટોમેટિક ડાઉનલોડની સુવિધા પણ ચાલુ રાખી શકે છે. PS5માં આ માટે ઓટો-ડાઉનલોડ સેટિંગ સક્રિય હોવું જોઈએ અને કન્સોલ ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોવું જરૂરી છે. Xboxમાં ઓટોમેટિક અપડેટ્સ ચાલુ રાખવાથી પણ પ્રી-લોડિંગની પ્રક્રિયા સરળ બની શકે છે. 

19 નવેમ્બરે થશે ગેમનું લોન્ચિંગ

GTA 6નું સત્તાવાર લોન્ચિંગ 19 નવેમ્બર 2026ના રોજ થવાનું છે. આ ગેમ શરૂઆતમાં PlayStation 5 અને Xbox Series X|S માટે ઉપલબ્ધ થશે. ખેલાડીઓ પ્રી-લોડિંગ દ્વારા ગેમની ફાઇલો અગાઉથી ડાઉનલોડ કરી શકશે, પરંતુ રિલીઝના નિર્ધારિત સમય પહેલાં ગેમ રમી શકશે નહીં. GTA 6માં ખેલાડીઓને જેસન અને લુસિયા નામનાં બે મુખ્ય પાત્રોની કહાની જોવા મળશે. ગેમની કહાની અમેરિકાના કાલ્પનિક રાજ્ય લિયોનીડા અને તેના વાઈસ સિટી વિસ્તારમાં આગળ વધશે. લાંબા સમયથી આ ગેમની રાહ જોઈ રહેલા ખેલાડીઓ માટે હવે લોન્ચિંગ પહેલાંની તૈયારીઓ શરૂ કરવાનો સમય આવી ગયો છે. 

આ પણ વાંચો: Cricket Australia: “સાચું શું છે એ કોઈ નથી જાણતું!” ક્લાર્કની નવેસરથી તપાસની માંગ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ મોટું સત્ય છુપાવી રહ્યું છે?