ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર મહિલા ખેલાડી કિરણ બાલિયાનને ડોપિંગના કેસમાં 8 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. નાડાએ આ કાર્યવાહી ત્રણ અલગ-અલગ નિયમોના ઉલ્લંઘન બદલ કરી છે. આ સાથે ભારતીય રમતજગતમાં ડોપિંગના અન્ય બે કેસ પણ સામે આવ્યા છે.
એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીતનાર ખેલાડી પર કાર્યવાહી
ભારતીય એથ્લેટિક્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 2022 એશિયન ગેમ્સમાં મહિલાઓની શોટપુટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનાર કિરણ બાલિયાનને ડોપિંગના કેસમાં 8 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. કિરણ બાલિયાને ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 17.36 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ સાથે તે એશિયન ગેમ્સમાં શોટપુટમાં મેડલ જીતનાર ભારતની બીજી મહિલા ખેલાડી બની હતી. જોકે, હવે ડોપિંગ કેસને કારણે તેની કારકિર્દી પર મોટો પ્રશ્ન ઊભો થયો છે.
કયા પદાર્થના ઉપયોગનો આરોપ?
કિરણ બાલિયાનનો ડોપિંગ કેસ સપ્ટેમ્બર 2024માં સામે આવ્યો હતો. તેના નમૂનામાં પ્રતિબંધિત પદાર્થ મેટાન્ડિએનોન મળી આવ્યો હતો. આ એક એનાબોલિક સ્ટેરોઇડ છે, જેનો ઉપયોગ સ્નાયુઓની વૃદ્ધિ અને શારીરિક શક્તિ વધારવા માટે થઈ શકે છે. આ કેસમાં તેના પર નાડાના ત્રણ નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમાં નિયમ 2.1 હેઠળ નમૂનામાં પ્રતિબંધિત પદાર્થની હાજરી, નિયમ 2.2 હેઠળ પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ અથવા ઉપયોગનો પ્રયાસ અને નિયમ 2.5 હેઠળ ડોપિંગ તપાસની પ્રક્રિયામાં ચેડાં કરવાનો પ્રયાસ સામેલ છે. કિરણને સપ્ટેમ્બર 2024થી જ કામચલાઉ રીતે પ્રતિબંધિત કરવામાં આવી હતી. હવે તેને 8 વર્ષનો અંતિમ પ્રતિબંધ મળ્યો છે. આ પ્રતિબંધ 4 જુલાઈ 2024થી લાગુ ગણાશે અને 3 જુલાઈ 2032 સુધી ચાલશે. એટલે કે, તે 2032 સુધી કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.
અન્ય બે ખેલાડીઓ પર પણ પ્રતિબંધ
ભારતીય રમતજગતમાં ડોપિંગ સંબંધિત અન્ય બે કેસમાં પણ કાર્યવાહી થઈ છે. પેરા એથ્લીટ સિમરન શર્માના પૂર્વ ગાઇડ દોડવીર ઉમર સૈફીને ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેના નમૂનામાં પ્રતિબંધિત ડ્રોસ્ટેનોલોન પદાર્થ મળી આવ્યો હતો. તેનો પ્રતિબંધ 7 ઑક્ટોબર 2025થી લાગુ ગણાશે અને નવેમ્બર 2029 સુધી ચાલશે.
બીજી તરફ, વેઇટલિફ્ટર સૈરાજ પરદેશીને પણ ચાર વર્ષનો પ્રતિબંધ મળ્યો છે. તેના નમૂનામાં મેસ્ટેરોલોન નામનો પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો. આ કેસમાં અગાઉ તેણે પોતાની સામે કાવતરું ઘડાયું હોવાનો દાવો કર્યો હતો.
ભારતીય રમતજગત માટે ચિંતાનો વિષય
એક તરફ ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતીને દેશનું નામ રોશન કરી રહ્યા છે, તો બીજી તરફ ડોપિંગના આવા કેસ રમતજગતની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડી પર આટલો લાંબો પ્રતિબંધ લાગવો ભારતીય એથ્લેટિક્સ માટે મોટો ફટકો છે.
આ પણ વાંચો: Total Chess: કાર્લસનની ચાલે હવે બીજા ખેલાડીઓ ! અભિમન્યુ મિશ્રા વૈશાલી સામે રમવા જ ન પહોંચ્યો