નવી દિલ્હીમાં રમાઈ રહેલી BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીએ ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. સેમીફાઈનલમાં વિશ્વની નંબર-1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની લિયુ શેંગ શુ અને ટાન નિંગની જોડી સામે હાર મળી હોવા છતાં ભારતીય જોડીએ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.

22 ઓગસ્ટે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં ત્રિશા અને ગાયત્રીએ ચીની જોડી સામે જોરદાર શરૂઆત કરી હતી. ભારતીય જોડીએ પહેલો ગેમ 21-18થી જીતીને ચોંકાવનારી લીડ મેળવી હતી. પરંતુ ત્યારબાદ ચીની ખેલાડીઓએ વાપસી કરતાં બીજી ગેમ 21-13થી અને નિર્ણાયક ત્રીજી ગેમ 21-8થી જીતી લીધી. 

ફાઈનલમાં પહોંચવાનું સપનું અધૂરું રહ્યું

સેમીફાઈનલમાં હાર સાથે ત્રિશા-ગાયત્રીનું ફાઈનલમાં પહોંચવાનું સપનું અધૂરું રહ્યું, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે. આ બંનેએ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે. સાથે જ મહિલા ડબલ્સમાં ભારતે 15 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ મેળવ્યો છે. અગાઉ 2011માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

21-13થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો 

ત્રિશા અને ગાયત્રીએ ક્વાર્ટર ફાઈનલમાં ચીનની ચોથી ક્રમાંકિત જોડી જિયા યિફાન અને ઝાંગ શુ શિયાનને 16-21, 21-15, 21-13થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે જ ભારતનો મેડલ નિશ્ચિત થયો હતો. આ રીતે ટૂર્નામેન્ટમાં ભારતના અન્ય દિગ્ગજ ખેલાડીઓની નિરાશાજનક સફર વચ્ચે ત્રિશા-ગાયત્રીએ દેશને યાદગાર ખુશી આપી છે.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન