15 વર્ષના વૈભવ સૂર્યવંશીની બેટિંગનો જાદુ માત્ર ચાહકોના માથે જ નથી ચઢ્યો, પરંતુ સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટર પણ તેમના મુરીદ બની ગયા છે. ભારતના પૂર્વ કેપ્ટન ગાવસ્કરે વૈભવની નિડર બેટિંગનાં ભરપૂર વખાણ કર્યાં છે.

તેમણે કહ્યું કે ‘બેબી બોસ’ને રમતા જોઈને તેમની અંદરનું બાળક જાગી ઊઠે છે. સાથે જ ગાવસ્કરે વૈભવના પરિવારને ખાસ અપીલ કરી છે કે તેઓ તેને હંમેશાં જમીન સાથે જોડાયેલો રાખે. વૈભવે UAE સામે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં માત્ર 53 બોલમાં 204 રનની તોફાની ઇનિંગ રમીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આ દરમિયાન તેણે લિસ્ટ A ક્રિકેટના અનેક રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. તેની બેટિંગ જોઈને ગાવસ્કર પણ પોતાની ખુશી છુપાવી શક્યા નહોતા.

‘વૈભવને રમતો જોઈ હું બાળક બની જાઉં છું’: ગાવસ્કર

સોની સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું કે વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને સંજુ સેમસન જેવા બેટ્સમેનોને આક્રમક અંદાજમાં રમતા જોઈને તેઓ પોતે પણ બાળક બની જાય છે. તેમણે જણાવ્યું કે પોતાના ક્રિકેટના દિવસોમાં તેઓ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગને ઝડપી બોલરો સામે છગ્ગા ફટકારતા જોઈને ખૂબ પ્રભાવિત થતા હતા.

ગાવસ્કરે કહ્યું, “લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં સચિન તેંડુલકરને શરૂઆતના બોલરો સામે છગ્ગા ફટકારતા જોઈને હું તેમનાં વખાણ કરતો હતો. વીરેન્દ્ર સેહવાગને પણ આવું કરતા જોતો હતો, કારણ કે મારામાં આ પ્રકારના શોટ રમવાની હિંમત નહોતી.”

તેમણે વધુમાં કહ્યું કે કદાચ તેમની પાસે પણ આવા શોટ રમવાની ક્ષમતા હતી, પરંતુ તેમને હંમેશાં એ ચિંતા રહેતી હતી કે જો આવો શોટ રમીને આઉટ થઈ જઈશ તો ટીમ મારાથી નારાજ થશે.

ગાવસ્કરે કહ્યું, “જ્યારે હું સેહવાગ, વૈભવ, અભિષેક શર્મા કે સંજુ સેમસનને આ રીતે રમતા જોઉં છું ત્યારે બાળક બની જાઉં છું. હું તેમનો ચાહક છું. સૌથી પહેલાં હું ક્રિકેટપ્રેમી છું અને મને તેમની બેટિંગ જોવી ગમે છે. જો કોઈ ભારતીય ખેલાડી આવું કરી રહ્યો હોય તો ખુશી બમણી થઈ જાય છે.”

‘વૈભવને વૈભવ જ રહેવા દો’, પરિવારને ખાસ અપીલ

ગાવસ્કરે વૈભવની બેટિંગનાં વખાણ કરવાની સાથે તેની સામે આવનારા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, આટલી નાની ઉંમરે મળતી લોકપ્રિયતા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અપેક્ષાઓ વચ્ચે વૈભવે જમીન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. આમાં તેના પરિવારની ભૂમિકા સૌથી મહત્ત્વની રહેશે.

ગાવસ્કરે કહ્યું, “તેના પરિવાર માટે જરૂરી છે કે તેઓ તેને માત્ર વૈભવ તરીકે જ જુએ, વૈભવ સૂર્યવંશી તરીકે નહીં. જ્યારે પરિવાર તેને વૈભવ સૂર્યવંશી તરીકે જોવા લાગે છે ત્યારે તેના માટે એક અલગ ઓળખ ઊભી થઈ જાય છે. તેણે પરિવારના બીજા સભ્યોની જેમ જ સામાન્ય જીવન જીવવું જોઈએ, જેમ સચિન જીવતા હતા.”

સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે સચિન નસીબદાર હતા કે તેમનો પરિવાર હંમેશાં સામાન્ય રહ્યો. 15-16 વર્ષની ઉંમરે સુપરસ્ટાર બન્યા હોવા છતાં પરિવારે તેમની સાથે સામાન્ય વ્યવહાર કર્યો અને તેમને જમીન સાથે જોડાયેલા રાખ્યા.

ગાવસ્કરે કહ્યું કે વૈભવની આસપાસ નવા મિત્રો આવશે અને બ્રાન્ડ્સ તથા કંપનીઓ તેની સાથે જોડાવા માગશે. સારા પ્રદર્શનના કારણે મળતા આ બધા ફાયદા છે, પરંતુ તેણે આ બાબતોને પોતાની રમત પર હાવી થવા દેવી જોઈએ નહીં.

વૈભવ બનશે ‘ઓલરાઉન્ડ ડિસ્ટ્રોયર’, ગાવસ્કરની આગાહી

ગાવસ્કર માત્ર વૈભવની છગ્ગા ફટકારવાની ક્ષમતાથી જ પ્રભાવિત નથી, પરંતુ તેની રમતમાં સતત થઈ રહેલા ફેરફાર પણ તેમને પસંદ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે બોલિંગ આક્રમણની ગુણવત્તા પર સવાલ ઉઠાવીને વૈભવની સિદ્ધિઓને ઓછી આંકવી જોઈએ નહીં.

ગાવસ્કરના મતે, 200થી વધુ રન બનાવવા અને 28 છગ્ગા ફટકારવા કોઈ ખાસ પ્રતિભા ધરાવતા ખેલાડી માટે જ શક્ય છે. તેમણે કહ્યું કે વૈભવમાં સતત બે ડોટ બોલ રમ્યા પછીની બે બોલમાં 12 રન બનાવવાની ક્ષમતા છે. તે છગ્ગો ફટકારીને અગાઉના બોલની ભરપાઈ કરી શકે છે.

ગાવસ્કરે એ પણ નોંધ્યું કે વૈભવ હવે પોતાની પસંદગીના લેગ સાઇડ ઉપરાંત ઓફ સાઇડમાં પણ મોટા શોટ રમવા લાગ્યો છે. પહેલાં તે લોંગ ઓફથી સ્ક્વેર લેગ વચ્ચે વધુ શોટ રમતો હતો, પરંતુ હવે એક્સ્ટ્રા કવર ઉપરથી પણ બોલને બાઉન્ડરીની બહાર પહોંચાડી રહ્યો છે.

તેમણે કહ્યું કે વૈભવ શોર્ટ બોલ પર પોઇન્ટની ઉપરથી છગ્ગો ફટકારી શકે છે અને રેમ્પ શોટ રમીને પણ બોલને બાઉન્ડરીની બહાર મોકલી શકે છે. જેમ જેમ તે રમતો જશે અને અનુભવ મેળવશે, તેમ તેમ તેના શોટ્સનો વ્યાપ વધતો જશે.

ગાવસ્કરના મતે, વૈભવ માત્ર ઓન સાઇડ પર પ્રભુત્વ ધરાવતો બેટ્સમેન બનીને નહીં રહે, પરંતુ ભવિષ્યમાં મેદાનના દરેક ખૂણે બોલરોની ધોલાઈ કરી શકે તેવો ખેલાડી બનશે.

આ પણ વાંચો:IPL 2027: મુંબઈમાં ફરી ‘હિટમેન રાજ’! રોહિત શર્માની ધમાકેદાર વાપસી, ફરી બન્યા ટીમના કેપ્ટન!