ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.

દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું

અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.

વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?

વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.

એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો

વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.

માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ

દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.

https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20


WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ

વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.

ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?

2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.

આ પણ વાંચો - Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ