ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ શુક્રવારે અચાનક ગાયબ થઈ જતાં સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ હતી. 27.4 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીની અચાનક ગેરહાજરીને લઈને ફેન્સ ચિંતિત થઈ ગયા હતા અને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી.
“This page isn’t available”
જ્યારે ચાહકોએ વિરાટ કોહલીની પ્રોફાઇલ સર્ચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે “This page isn’t available” અથવા “User not found” જેવો સંદેશ દેખાયો. આ જોઈને ઘણા લોકોને લાગ્યું કે કદાચ કોહલીએ પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે અથવા પોતે જ ડિએક્ટિવેટ કર્યું છે. વિરાટ કોહલી માત્ર એક ક્રિકેટર જ નહીં પરંતુ એક મોટી ડિજિટલ બ્રાન્ડ પણ છે. તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ક્રિકેટ અપડેટ્સ, જાહેરાતો અને પરિવાર સાથેની ઝલક માટે ખૂબ લોકપ્રિય રહ્યું છે.
ભાઈ વિકાસ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ
આ ઘટનાએ ત્યારે વધુ ચોંકાવનારો વળાંક લીધો, જ્યારે વિરાટના ભાઈ વિકાસ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ સર્ચમાં દેખાવાનું બંધ થયું. સોશિયલ મીડિયા પર યુઝર્સે સ્ક્રીનશોટ્સ શેર કરીને દાવો કર્યો કે બંને અકાઉન્ટ એકસાથે નિષ્ક્રિય થયા છે. જોકે, આ બાબતે વિરાટ કોહલી, તેમની મેનેજમેન્ટ ટીમ અથવા ઇન્સ્ટાગ્રામની માલિક કંપની મેટા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નહોતું.
અકાઉન્ટ ગાયબ થવાનું કારણ શું?
અકાઉન્ટ ગાયબ થવાનું કારણ શું હોઈ શકે, તે અંગે સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ. કેટલાક લોકો માને છે કે આ ઇન્સ્ટાગ્રામની કોઈ ટેકનિકલ ખામી (glitch) હોઈ શકે છે, કારણ કે અગાઉ પણ ઘણા સેલિબ્રિટીના અકાઉન્ટ્સ સાથે આવું થઈ ચૂક્યું છે. કેટલાક ચાહકોનું માનવું છે કે વિરાટ કોહલીએ પોતાની ગોપનીયતા માટે અથવા પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે થોડા સમય માટે સોશિયલ મીડિયા પરથી વિરામ લીધો હોઈ શકે.
હેકિંગની શક્યતા
કેટલાક યુઝર્સે હેકિંગની શક્યતા પણ વ્યક્ત કરી, પરંતુ આ દાવાને સમર્થન આપતા કોઈ સ્પષ્ટ પુરાવા સામે આવ્યા નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર બહુ ઓછા સક્રિય જોવા મળ્યા હતા, જેના કારણે આ અટકળોને વધુ બળ મળ્યું.
વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી સક્રિય
જો કે, થોડા કલાકોમાં જ વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી સક્રિય થઈ ગયું. અકાઉન્ટ પાછું આવતા જ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો અને સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી. હાલ પણ એ સ્પષ્ટ નથી કે અકાઉન્ટ કેમ નિષ્ક્રિય થયું હતું. આ ટેકનિકલ સમસ્યા હતી કે કોઈ વ્યક્તિગત નિર્ણય, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ઇન્સ્ટાગ્રામ સિવાય વિરાટ કોહલીના અન્ય સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ સક્રિય રહ્યા હતા. ખાસ કરીને તેનું X (અગાઉનું ટ્વિટર) અકાઉન્ટ ચાલુ હોવાથી ચાહકો વધુ ગૂંચવણમાં મુકાયા હતા.
વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં
ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં તેણે દમદાર પ્રદર્શન કર્યું હતું. ચાર મહિનાના વિરામ બાદ ક્રિકેટમાં વાપસી કરીને તેણે 9 વનડે મેચોમાં 616 રન બનાવ્યા, જેમાં ત્રણ શાનદાર સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તે થોડા સમય માટે ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર વન સ્થાન પર પણ પહોંચ્યો હતો.
વિરાટ લંડનમાં સમય વિતાવી રહ્યો
હાલ વિરાટ લંડનમાં સમય વિતાવી રહ્યો છે અને હવે IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) તરફથી રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં, તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અચાનક ગાયબ થવું અને ફરી સક્રિય થવું સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બની ગયું છે. હવે સૌની નજર વિરાટ કોહલી અથવા મેટા તરફથી આવનારી સત્તાવાર સ્પષ્ટતા પર ટકેલી છે.
આ પણ વાંચો : Miracle! 912 દિવસ પછી 10 વર્ષની બાળકીનું મોં બંધ થયું, ડોકટરોનું અશક્યને શક્ય બનાવ્યું