કોલકાતાની એક કોલેજ અને હોસ્પિટલના ડોકટરોએ એક અસાધારણ અને માનવતાભર્યો ચમત્કાર સર્જ્યો છે. છેલ્લા અઢી વર્ષથી એટલે કે લગભગ 912 દિવસ સુધી પોતાનું મોં બંધ ન કરી શકતી 10 વર્ષની બાળકી આખરે સામાન્ય જીવન તરફ પરત ફરી છે. આ બાળકી એક એવી દુર્લભ બીમારીથી પીડાઈ રહી હતી, જેના કારણે તેના ચહેરા અને જડબાના સ્નાયુઓ નિયંત્રિત કરતી ચેતાને ગંભીર નુકસાન થયું હતું.
બાળકીની સ્થિતિ ગંભીર
બાળકીની સ્થિતિ એટલી ગંભીર હતી કે મોં સતત ખુલ્લું રહેવાને કારણે તેને ખાવા, બોલવા અને સૂવા જેવી સામાન્ય ક્રિયાઓમાં પણ ભારે તકલીફ થતી હતી. લાંબા સમય સુધી મોં ખુલ્લું રહેતાં તેના મોઢામાં શુષ્કતા, ચેપ, જડબાનું અસંતુલન અને દાંતનો અસામાન્ય વિકાસ શરૂ થયો હતો. દાંત ઉપર તરફ વધવા લાગ્યા હતા, જેને તબીબી ભાષામાં ‘સુપ્રા-એરપ્શન’ કહેવામાં આવે છે.
પરિવાર દ્વારા મોટા હોસ્પિટલોમાં દોડધામ
પરિવારજનોએ રાજ્યની અંદર તેમજ બહાર અનેક મોટી હોસ્પિટલોમાં સારવાર માટે દોડધામ કરી, પરંતુ ક્યાંય પણ રાહત મળી નહીં. ઘણી જગ્યાએ આ કિસ્સાને અત્યંત જટિલ ગણાવીને સારવાર અશક્ય હોવાનું કહી દેવામાં આવ્યું. આવી નિરાશાજનક સ્થિતિમાં આખરે એત કોલેજ અને હોસ્પિટલમાં બાળકી દાખલ કરવામાં આવી.
બાળકની બિમારી
હોસ્પિટલના વરિષ્ઠ ડોકટરોની ટીમે તપાસ બાદ ખુલાસો કર્યો કે બાળકી ‘એક્યુટ ડિસેમિનેટેડ એન્સેફાલોમાયલિટિસ’ (ADEM) નામની દુર્લભ ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ બીમારીથી પીડાઈ રહી હતી. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મગજ અને કરોડરજ્જુ પર હુમલો કરે છે, જેના કારણે સ્નાયુઓ અને ચેતાઓ યોગ્ય રીતે કામ નથી કરતી.
બાળકી માટે ખાસ મેડિકલ બોર્ડ
બાળકી માટે ખાસ મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું અને વિગતવાર ચર્ચા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ડોકટરોએ જણાવ્યું કે વધુ નુકસાન અટકાવવા માટે પાછળના દાંત કાઢીને જડબાને તાળું મારવું તબીબી રીતે જરૂરી હતું. આ જ એકમાત્ર વ્યવહારુ વિકલ્પ હતો, જેથી બાળકીનું મોં બંધ રાખી શકાય.
બાળકી હવે પોતાનું મોં બંધ કરી શકે
તાજેતરમાં કરવામાં આવેલી સફળ પ્રક્રિયા બાદ બાળકી હવે પોતાનું મોં બંધ કરી શકે છે. ડોકટરોએ જણાવ્યું કે આ સારવારથી ભવિષ્યમાં દાંતના સડો, ચેપ અને કાયમી નુકસાનનો ખતરો ઘણો ઓછો થશે. સાથે સાથે ADEM માટેની ન્યુરોલોજીકલ સારવાર પણ ચાલુ છે. આ કિસ્સો માત્ર તબીબી સફળતા નહીં, પરંતુ માનવતા, ધીરજ અને આશાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
આ પણ વાંચો : Bijapurમાં મોટી કાર્યવાહી: DRGએ 2 માઓવાદીઓને ઠાર કર્યા