યુએસએ અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન ઉપર કરેલા હુમલા અને તેના પગલે ઈરાને આજુબાજૂના દેશમાં કરેલ ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વના દેશોમાં સંઘર્ષ વિરામની કોઈ શક્યતા લાગતી નથી. આ યુદ્ધના પરિણામો હવે ફક્ત જે તે રાષ્ટ્રો સુધી મર્યાદિત નથી રહ્યાં. વિશ્વના અન્ય દેશોમાં પણ તેની સીધી કે આડકતરી અસર જોવા મળી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે રમતગમતના ક્ષેત્રમાં પણ અનુભવાઈ રહી છે. તાજેતરમાં, T20 વર્લ્ડ કપ દરમિયાન, ઘણી ટીમોને, તેમના માદરે વતન પાછા ફરવાનો પ્રયાસ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે, ફોર્મ્યુલા 1 એ તેની 2026 સીઝન બહેરીન અને સાઉદીમાં હાલ તો પડતી મુકવાની જાહેરાત કરી છે.
ફોર્મ્યુલા 1એ મોટો નિર્ણય લીધો
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, ફોર્મ્યુલા 1 એ બહેરીન અને સાઉદી અરેબિયા માટે પૂર્વ નિર્ધારિત ગ્રાન્ડ પ્રિકસ રેસ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. આ રેસ એપ્રિલ 2026માં યોજાવાની હતી – જેમાં બહેરીન ગ્રાન્ડ પ્રિકસ 12 એપ્રિલે અને સાઉદી અરેબિયન (જેદ્દાહ) ગ્રાન્ડ પ્રિકસ 19 એપ્રિલે યોજાવાની હતી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સામે કરવામાં આવેલા હુમલાઓ – અને ત્યારબાદ ઈરાનની બદલાની કાર્યવાહીથી – ઘણા ગલ્ફ રાષ્ટ્રોને અસર થઈ છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં સુરક્ષા જોખમો વધી રહ્યા છે. ફોર્મ્યુલા 1 અને FIA એ ડ્રાઇવરો, સ્ટાફ અને ચાહકોની સલામતી અને સુરક્ષાને તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા તરીકે રાખીને આ પગલું ભર્યું છે.













