ભારતની પેરા તીરંદાજ શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. જાપાનના નાગોયામાં રમાઈ રહેલી સ્પર્ધામાં શીતલે મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીની ક્વોલિફિકેશન રાઉન્ડમાં 720માંથી 704 પોઈન્ટ મેળવ્યા. આ સાથે તેમણે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી અને નવો એશિયન રેકોર્ડ બનાવ્યો. 19 વર્ષની શીતલે 72 તીર માર્યા, જેમાંથી 57 તીર નિશાનાના 10 પોઈન્ટના ભાગમાં લાગ્યા. તેમાંથી 32 તીર સૌથી અંદરના X ઝોનમાં લાગ્યા. તેમના આ પ્રદર્શનથી ભારતની મેડલ જીતવાની આશા પણ મજબૂત બની છે.

શીતલે છ પોઈન્ટથી સુધાર્યો પોતાનો એશિયન રેકોર્ડ

શીતલ દેવીએ 704 પોઈન્ટ મેળવી પોતાનો અગાઉનો 698 પોઈન્ટનો એશિયન રેકોર્ડ છ પોઈન્ટથી સુધાર્યો. આ અગાઉ તેમણે માર્ચ 2026માં આ રેકોર્ડ બનાવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ પણ 704 પોઈન્ટનો છે. તુર્કિયેની ઓઝનુર ગિર્દીએ 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં આ સ્કોર નોંધાવ્યો હતો. હવે શીતલે આ સ્કોરની બરાબરી કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે.

પાયલના પ્રદર્શનથી ભારતને ટીમ ઇવેન્ટમાં ફાયદો

ભારતની બીજી તીરંદાજ પાયલે પણ ક્વોલિફિકેશન રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું. તેણે 675 પોઈન્ટ મેળવી પાંચમું સ્થાન મેળવ્યું. શીતલ અને પાયલના સંયુક્ત 1,379 પોઈન્ટના સ્કોરથી ભારત મહિલા કમ્પાઉન્ડ ટીમ ક્વોલિફિકેશનમાં પ્રથમ સ્થાને રહ્યું. ચીન 1,338 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું. આ પરિણામથી ભારતીય ટીમે સીધો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

પેરિસ પેરાલિમ્પિક્સમાં પણ જીતી ચૂકી છે મેડલ

શીતલ દેવી પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. 2023ની હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પણ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે વખતે શીતલે વ્યક્તિગત અને મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ, જ્યારે ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે એશિયન પેરા ગેમ્સ 2026માં વર્લ્ડ રેકોર્ડની બરાબરી અને નવા એશિયન રેકોર્ડ સાથે તેમણે ફરી એકવાર ભારતીય રમતજગતનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો: Asian Para Games: નિશાદ કુમારની ગોલ્ડન છલાંગ, પહેલી જ લોંગ જમ્પ સ્પર્ધામાં જીત્યો મેડલ