ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝા (Nabila Sol Baraza) છવાઈ ગઈ છે. આ ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિના તરફથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આવેલી નાબિલાએ જોરદાર પ્રદર્શન કરતા 2ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 5 મેડલ પોતાના નામે કરીને મેદાન મારી લીધું છે.


લિયોનેલ મેસીના વતન સાથે કનેક્શન

નાબિલાનો જન્મ ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસીના પ્રખ્યાત શહેર રોઝારિયોની નજીક થયો છે. જોકે, ફૂટબોલના ક્રેઝ વાળા દેશમાંથી આવવા છતાં નાબિલાએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન યોગને પોતાની કરિયર બનાવી છે.

ભારતમાં 5 વર્ષ રહીને શીખી યોગ, બોલિવૂડમાં પણ કર્યું કામ!

નાબિલાની લાઈફ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તે ભારતમાં 5વર્ષ સુધી રોકાઈ હતી અને આ દરમિયાન તેણે ઋષિકેશ તેમજ નાશિક જેવા પવિત્ર સ્થળોએ જઈને યોગનું ઊંડાણપૂર્વક શિક્ષણ મેળવ્યું હતું. આ રોકાણ દરમિયાન તે બોલિવૂડ તરફ પણ આકર્ષાઈ હતી. નાબિલાએ બોલિવૂડમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે અને તે એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ સાથે પણ સ્ક્રીન શેર કરી ચૂકી છે. આ સિવાય તે ભારતીય ક્રિકેટના કિંગ વિરાટ કોહલીની પણ બહુ મોટી ફેન છે.

અમદાવાદ પહોંચવા માટે 48 કલાકની કપરી મુસાફરી

યોગ પ્રત્યેનો નાબિલાનો સમર્પણ ભાવ એ વાત પરથી જ ખબર પડે છે કે તે હાલમાં કોલંબિયામાં ઓનલાઈન અને ઓફલાઈન યોગ ક્લાસ ચલાવે છે. અમદાવાદની આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેણે બોગોટાથી ફ્લાઈટ પકડી હતી. ત્યાંથી ટોરોન્ટો, લંડન અને મુંબઈ થઈને તે 48 કલાકની લાંબી અને થકવી દેનારી મુસાફરી કરીને અમદાવાદ પહોંચી હતી. પરંતુ તેની આ મહેનત આજે 5મેડલ સાથે રંગ લાવી છે.

આ પણ વાંચો-World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે


  • Follow us on: