આંતરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર ભારતના યુવા કુસ્તીબાજોએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. વિયેતનામના દા નાંગ શહેરમાં શરૂ થયેલી પ્રતિષ્ઠિત 'અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ'માં ભારતીય કુસ્તીબાજોએ દબદબો જમાવ્યો છે. સ્પર્ધાના પ્રથમ દિવસે જ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને અલગ-અલગ કેટેગરીમાં કુલ 5 મેડલ પોતાના નામે કરી લીધા છે. આ જબરદસ્ત પ્રદર્શન સાથે ભારતે ગત વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.
સુરજ અને સાગરે જીત્યા સિલ્વર મેડલ
મેટ્સ પર ભારતીય કુસ્તીબાજોની શરૂઆત અત્યંત આક્રમક રહી હતી. સુરજ સિંહ અને સાગર સિંહે પોતપોતાની વજન કેટેગરીમાં ફાઇનલ સુધીની સફર ખેડી હતી. જોકે, ખરાખરીના જંગમાં ગોલ્ડ મેડલ ચૂક્યા હોવા છતાં, બંનેએ શાનદાર લડત આપીને ભારત માટે સિલ્વર મેડલ (રજત પદક) મેળવ્યા હતા. તેમની આ સિદ્ધિથી ભારતીય ખેમામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બ્રોન્ઝ મેડલની હેટ્રિક: સચિન, રોહિત અને હરદીપ ચમક્યા
સિલ્વર મેડલ ઉપરાંત ભારતના અન્ય ત્રણ કુસ્તીબાજો સચિન, રોહિત અને હરદીપે પણ મેદાન માર્યું હતું. સેમિફાઇનલની હાર બાદ મજબૂત વાપસી કરીને આ ત્રણેય નવયુવાન કુસ્તીબાજોએ બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક) માટેની મેચો જીતી લીધી હતી. આ સાથે જ ભારતે સ્પર્ધાના પહેલા જ દિવસે મેડલની પંચક ફટકારી દીધી છે.
https://twitter.com/sandeshnews/status/2058244348626784257
ગત વર્ષનો 3 મેડલનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો
ભારતીય કુસ્તી માટે આ પ્રદર્શન ખૂબ જ ઉત્સાહવર્ધક છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની ચેમ્પિયનશિપમાં ભારતે આખી સ્પર્ધા દરમિયાન જે પ્રદર્શન કર્યું હતું, તેનાથી ઘણું સારું પ્રદર્શન આ વર્ષે માત્ર પ્રથમ દિવસે જ જોવા મળ્યું છે. ગત વર્ષના 3 મેડલના રેકોર્ડને તોડીને ભારતે આ વખતે પ્રથમ દિવસે જ 5 મેડલ પર કબ્જો જમાવી લીધો છે. રમતપ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે, આગામી દિવસોમાં પણ ભારતીય રેસલર્સ આ ચેમ્પિયનશિપમાં વધુ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને નવો ઇતિહાસ રચશે.
આ પણ વાંચો - Fifa World Cup: મેદાન પર ભલે પાછળ, પણ કમાણીમાં ભારત સુપરસ્ટાર, જાણો કેવી રીતે?