વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં સાઉથ આફ્રિકાની અનુભવી ફાસ્ટ બોલર શબનિમ ઈસ્માઈલ (Shabnim Ismail) મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતી જોવા મળશે. જમણા હાથની આ બોલર મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર તરીકે જાણીતી છે અને બેટ્સમેનો માટે ડરનું બીજું નામ છે. WPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે તેણે 132.1 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકીને ઇતિહાસ રચ્યો હતો. શબનિમ ઈસ્માઈલ જેવી તોફાની બોલર, જે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં મેચ પલટાવવાની ક્ષમતા ધરાવે છે અને તેનો અનુભવ અમૂલ્ય છે, તેને મુંબઈ ઇન્ડિયન્સે માત્ર રૂપિયા 60 લાખમાં ખરીદી છે. આ રકમ તેની ક્ષમતા અને અનુભવની સામે ઓછી ગણાય છે.
પેટનો ખાડો પૂરવા શબનિમ ઈસ્માઈલે રાત-દિવસ કર્યું હતું આ કામ!
ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલી શબનિમ ઈસ્માઈલની સફળતા પાછળ તેના કારકિર્દીના સંઘર્ષની એક લાંબી કહાણી જોડાયેલી છે. ક્રિકેટની પ્રેક્ટિસની સાથે-સાથે પોતાનું પેટ ભરવા માટે, શબનિમ ઈસ્માઈલ એક સમયે સ્પીડ પોઇન્ટ ટેકનિશિયન તરીકે કામ કરતી હતી. તેણે રાત-દિવસ મહેનત કરીને કામ કર્યું અને સાથે જ ક્રિકેટની પ્રેક્ટિસ પણ ચાલુ રાખી. આ અનુભવી બોલરે મિકેનિકલ એન્જિનિયર બનવાનું પણ સપનું જોયું હતું, પરંતુ ક્રિકેટે તેને પોતાની તરફ ખેંચી લીધી. આજે તે WBBL, Women's 100, WPL અને WCPL જેવી વિશ્વભરની મોટી T20 લીગમાં રમે છે.













