રોહિત શર્માએ T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતને 2024 T20 વર્લ્ડકપ ટાઇટલ જીત્યા બાદ રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલને અલવિદા કહ્યું હતું. હાલ રોહિત શર્મા ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન છે. રોહિતે શ્રીલંકા સામેની વનડે સિરિઝમાં ટી-20ની જેમ બેટિંગ કરી હતી, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ હતી કે કદાચ રોહિત ટી-20માંથી સંન્યાસ પાછો લઈ શકે છે. પરંતુ હવે તેણે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લેવાને લઇ ફની જવાબ આપ્યો છે.
નિવૃતિ એક મજાબ બની ગઇ: રોહિત શર્મા
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા રોહિત શર્માએ કહ્યું, "આ દિવસોમાં વિશ્વ ક્રિકેટમાં નિવૃત્તિ એક મજાક બની ગઈ છે. લોકો નિવૃત્તિની જાહેરાત કરે છે, પરંતુ પછી રમવા માટે પાછા આવે છે. ભારતમાં આવું બન્યું નથી. જોકે, હું ખેલાડીઓને જોઉં છું. અન્ય દેશો તેમની નિવૃત્તિની જાહેરાત કરે છે પરંતુ પછી યુ-ટર્ન લે છે જેથી તમને ક્યારેય ખબર ન પડે કે કોઈ વ્યક્તિ ખરેખર નિવૃત્ત થઈ છે કે નહીં."
T20ને અલવિદા કહેવાનો મારો નિર્ણય યોગ્ય: હીટમેન
T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ અંગે રોહિતે જણાવ્યું કે મારો નિર્ણય અંતિમ છે અને હું એકદમ સ્પષ્ટ છું. T20 ઈન્ટરનેશનલને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય હતો. હું મારી નિવૃત્તિ પાછી લઈ રહ્યો નથી." રોહિતે એ પણ જણાવ્યું કે તેને ટી20 ફોર્મેટમાં રમવાનું ખૂબ જ પસંદ છે.
IPLમાં રમવાનું ચાલુ રાખશે રોહિત
તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ માત્ર T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. તે IPLમાં રમવાનું ચાલુ રાખશે. જોકે, એવી ચર્ચા છે કે IPL 2025માં તેની ટીમ બદલાશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે અલગ થવાનું મન બનાવી લીધું છે, અને તે આગામી સિઝનમાં કોઈ અન્ય ટીમમાં રમતા જોવા મળી શકે છે. એવા પણ અહેવાલ હતા કે લખનૌ સુપર જાયન્ટ્સ T20 વર્લ્ડકપ વિજેતાને પોતાનો કેપ્ટન બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં રોહિત IPL 2025માં કઈ ટીમ સાથે રમતા જોવા મળે છે તે જોવું રહ્યું.