શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ગાલેમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. હવે ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટમાં હારના આરે છે. શ્રીલંકાએ 5 વિકેટે 602 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડનો દાવ માત્ર 88 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી કિવી ટીમ ફોલોઓન રમવા માટે ઉતરી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 199 રન છે. આ રીતે ન્યુઝીલેન્ડ પર ઇનિંગ્સ હારવાનો ખતરો છે. હાલમાં કિવી ટીમ માટે ગ્લેન ફિલિપ્સ અને ટોમ બ્લંડેલ ક્રિઝ પર છે.
કેન વિલિયમસનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
આજે ન્યુઝીલેન્ડનો દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન 4 કલાકમાં બે વખત આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડના પ્રથમ દાવમાં 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે સમયે સ્થાનિક સમય અનુસાર સવારના 10.25 વાગ્યા હતા. ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગમાં કેન વિલિયમસન 46 રન બનાવીને આઉટ થયો હતો. તે સમયે સ્થાનિક સમય મુજબ બપોરે 2.15 વાગ્યા હતા. આ રીતે કેન વિલિયમસન 4 કલાકમાં બે વખત આઉટ થયો હતો. ટેસ્ટ ફોર્મેટમાં એવું બહુ જ દુર્લભ છે જ્યારે કોઈ બેટ્સમેન 4 કલાકમાં બે વાર આઉટ થાય.
ગાલે ટેસ્ટમાં અત્યાર સુધી શું થયું?
તમને જણાવી દઈએ કે શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 602 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કામેન્દુ મેન્ડિસે અણનમ 182 રનની ઇનિંગ રમી હતી. દિનેશ ચાંદીમલે 116 રન બનાવ્યા હતા. જ્યારે કુસલ મેન્ડિસે 106 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે 88 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીને 1 સફળતા મળી હતી. તેન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ માત્ર 88 રન પર જ સમેટાઈ ગયો હતો. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. જ્યારે નિશાન પીરીસને 3 સફળતા મળી હતી. આ સિવાય આસિતા ફર્નાન્ડોએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.