ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ગાલે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી મેચ યજમાન ટીમના કબજામાં હોય તેવું લાગી રહ્યું છે. પોતાના બોલરોના જોર પર શ્રીલંકાએ શનિવારે કિવી ટીમને માત્ર 88 રન પર રોકી દીધી હતી. શ્રીલંકાના લેફ્ટ આર્મ સ્પિનર પ્રભાત જયસૂર્યાએ ન્યુઝીલેન્ડને આ સ્થાન પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે માત્ર 42 રનમાં છ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ તરફથી નવમા નંબરે રમવા આવેલો મિશેલ સેન્ટનર જ શ્રીલંકાના બોલરોનો થોડી હિંમતથી સામનો કરી શક્યો. તેણે 51 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા.


પ્રભાથ જયસૂર્યાની 6 વિકેટ

ગાલેના મેદાન પર જયસૂર્યાની શાનદાર સ્પિન જોવા મળી હતી. તેણે કીવી ટીમને એક પછી એક ઝટકા આપ્યા. જયસૂર્યાએ કારકિર્દીમાં 9મી વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જયસૂર્યાએ ત્રીજા દિવસે કિવિ કેપ્ટન કેન વિલિયમસનને આઉટ કરીને પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. તેમના સિવાય નિશાન પેરિસે પોતાની પ્રથમ મેચ રમતા ત્રણ વિકેટ લીધી હતી જ્યારે અસિથા ફર્નાન્ડોએ 1 વિકેટ લીધી હતી.


શ્રીલંકાને મોટી લીડ મળી

ન્યુઝીલેન્ડ 88 રનમાં ઓલઆઉટ થતાં શ્રીલંકાને પ્રથમ દાવમાં 514 રનની લીડ મળી હતી. આ બીજી વખત છે જ્યારે ટીમને પ્રથમ દાવમાં 500થી વધુ રનની લીડ મળી છે. આ પહેલા 2006માં ટીમે દક્ષિણ આફ્રિકા સામે 587 રનની જંગી લીડ મેળવી હતી. ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ રનની લીડ લેવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. તેણે 1938માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 702 રનની લીડ મેળવી હતી.


શ્રીલંકાએ પહાડ જેવો સ્કોર બનાવ્યો

આ પહેલા શ્રીલંકાની ટીમે કામિન્દુ મેન્ડિસની 186 રનની અણનમ ઈનિંગના આધારે પ્રથમ દાવમાં 602 રન બનાવ્યા હતા. માત્ર કામિન્દુ જ નહીં પરંતુ દિનેશ ચંદીમલ અને કુશલ મેન્ડિસે પણ સદીની ઇનિંગ્સ રમીને ન્યુઝીલેન્ડને હંફાવી દીધું હતું. કિવી ટીમ માટે ગ્લેન ફિલિપ્સે 141 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય કેપ્ટન ટિમ સાઉથીને એક વિકેટ મળી હતી.

  • Follow us on: