ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે બીજી વનડેમાં 9 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને મેચ એકતરફી જીતી લીધી હતી. એવી ક્ષણ ક્યારેય આવી નથી જ્યારે એવું લાગ્યું કે ઓસ્ટ્રેલિયા મેચમાં છે. પીછો કરતી વખતે પાકિસ્તાન તરફથી સેમ અયુબે સૌથી મોટી 82 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં હારિસ રઉફે પોતાના નામે 5 વિકેટ કરી છે.


પાકિસ્તાને ટોસ પણ જીત્યો અને મેચ પણ જીત

ટોસ જીતવાથી લઈને મેચમાં પાકિસ્તાન માટે બધુ બરાબર રહ્યું હતું. ટોસ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે ખૂબ જ અસરકારક સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા આવેલી યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાની બોલરોએ 35 ઓવરમાં માત્ર 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે સૌથી મોટી ઇનિંગ રમી, તેણે 5 ફોર અને 1 સિક્સની મદદથી 35 રન (48 બોલ) બનાવ્યા.

હારિસ રઉફે સૌથી વધુ 5 વિકેટ ઝડપી

આ દરમિયાન પાકિસ્તાન તરફથી હારિસ રઉફે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય શાહીન આફ્રિદીએ 3 વિકેટ પોતાના નામે કરી હતી. બાકીની 1-1 વિકેટ નસીમ શાહ અને મોહમ્મદ હસનૈનને લીધી હતી. આ દરમિયાન રઉફે 8 ઓવરમાં માત્ર 29 રન જ આપ્યા હતા. આ શાનદાર પ્રદર્શન માટે રઉફને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાને પીછો કરીને એકતરફી જીત નોંધાવી

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને જીતવા માટે 50 ઓવરમાં 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાને 26.3 ઓવરમાં 169/1 રન બનાવીને આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું. આ દરમિયાન ટીમ માટે ઓપનિંગ કરનાર સેમ અય્યુબ અને અબ્દુલ્લા શફીકે પ્રથમ વિકેટ માટે 137 (123 બોલ)ની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનને પહેલો ફટકો 21મી ઓવરમાં લાગ્યો જ્યારે સેમ અય્યુબ 71 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 82 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

બાબરે 20 બોલમાં બનાવ્યા 15 રન

ત્યારબાદ બીજી વિકેટ માટે અબ્દુલ્લા શફીક અને બાબર આઝમે 32 (37) રનની અતૂટ ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. આ દરમિયાન શફીકે 69 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 64 રન બનાવ્યા હતા. જ્યારે બાબરે 20 બોલમાં 1 સિક્સની મદદથી 15 રન બનાવ્યા હતા.


  • Follow us on: