• બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતુ
  • પાકિસ્તાનની હાર બાદ પૂર્વ ક્રિકેટરોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો
  • બાબર આઝમ સહિત અન્ય બેટ્સમેનોની ટીકા કરી

બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. પાકિસ્તાનની શરમજનક હાર બાદ પૂર્વ ક્રિકેટરોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બાબર આઝમ સહિત અન્ય બેટ્સમેનોની ટીકા કરી હતી. આ સિરીઝમાં બાબર આઝમે અનુક્રમે 0, 22, 31 અને 11 રન બનાવ્યા હતા. આ રીતે બાબર આઝમ આખી સિરીઝમાં માત્ર 64 રન જ બનાવી શક્યો હતો.

'આપણે પસંદગીમાં ધ્યાન રાખવુ પડશે...'

બાબર આઝમ સતત ટીકાકારોના નિશાના પર રહે છે. હવે બાબર આઝમના ફોર્મ પર પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે પોતાની પ્રતિક્રિયા આપી છે. શાન મસૂદે કહ્યું કે અમારે પસંદગીમાં સાતત્ય લાવવા પર કામ કરવું પડશે. તમારે ખેલાડીની નિષ્ફળતાઓ સહન કરવી પડશે. વાત માત્ર બાબર આઝમની જ નથી, તમે જેટલી સતત કોઈને તક આપો છો, તેટલું સારું પ્રદર્શન કરશે. તમારે જોવું પડશે કે તમે એવા ખેલાડીને ક્યાં શોધી શકો છો જેનું વર્તમાન ફોર્મ વધુ સારું છે. તેણે કહ્યું કે અત્યારે અમે વધારે લાલ બોલ ક્રિકેટ નથી રમી રહ્યા, તેથી અમારી પાસે પસંદગી માટે ઘણા વિકલ્પો નથી.

'હું મારા દેશની માફી માંગુ છું...'

પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે કહ્યું કે, જેમ કે મેં તમને પ્રથમ ટેસ્ટ બાદ કહ્યું હતું કે, હું ફરી એકવાર હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તેણે કહ્યું કે હું મારા દેશની માફી માંગુ છું અને મેં છેલ્લી મેચમાં પણ માફી માંગી હતી. અમારો સામાન્ય ધ્યેય અમારી રમતને સુધારવાનો હોવો જોઈએ. જ્યારે પણ અમે સારું રમીશું નહીં, ત્યારે અમે અમારા હાથ ઉંચા કરીશું અને તેને શાલિનતાથી સ્વીકારીશું.

  • Follow us on: