- પાકિસ્તાનની ટીમ તેની પહેલી ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે રાવલપિંડીમાં રમી રહી છે
- કેપ્ટન શાન મસૂદે ચોંકાવનારો નિર્ણય લીધો અને પાકિસ્તાનનો દાવ ડિકલેર કર્યો
- શાન મસૂદે આ ઈનિંગ એવા સમયે જાહેર કરી જ્યારે મોહમ્મદ રિઝવાન શાનદાર બેટિંગ કરી રહ્યો
પાકિસ્તાનની ટીમ તેની પહેલી ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે રાવલપિંડીમાં રમી રહી છે. ગુરુવારે બીજા દિવસે પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ચોંકાવનારો નિર્ણય લીધો છે. કેપ્ટને 113 ઓવર બાદ પાકિસ્તાનનો દાવ ડિકલેર કર્યો હતો. મસૂદે આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે મોહમ્મદ રિઝવાન બેવડી સદીની નજીક હતો. રિઝવાને શાનદાર બેટિંગ કરી હતી અને 239 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 171 રન બનાવ્યા હતા, પરંતુ મસૂદે તેને તેની બેવડી સદી પૂરી કરવાની તક આપી ન હતી અને પાકિસ્તાનનો દાવ ડિકલેર કર્યો હતો.
નિર્ણય સાચો કે ખોટો?
શાન મસૂદે પાકિસ્તાનનો દાવ 448 રન પર ડિકલેર કર્યો હતો. મસૂદના આ નિર્ણય પર કેટલાક ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક તેને મેચ જીતવાની રણનીતી તરીકે જોઈ રહ્યા છે. જો રિઝવાને બેવડી સદી ફટકારી હોત તો તે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેતો. આવું કરનાર તે પાકિસ્તાનનો માત્ર ત્રીજો વિકેટકીપર બન્યો હોત. જ્યારે 233 રન બનાવીને તેને એન્ડી ફ્લાવરનો વિકેટકીપર તરીકે સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હોત, પરંતુ મસૂદના નિર્ણયને કારણે આ થઈ શક્યું નહીં.
નિર્ણય સાચો કેમ હોઈ શકે?
મસૂદના આ નિર્ણયને બોલ્ડ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. તે રિઝવાનની બેવડી સદી અથવા પાકિસ્તાનના સ્કોર 500 સુધી પહોંચવાની રાહ જોઈ શક્યો હોત, પરંતુ તેણે બાંગ્લાદેશી બેટ્સમેનો સામે 24 ઓવર બાકી રહીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને ઈનિંગ્સ ડિકલેર કર્યા બાદ એક કલાકની રમત બાકી હતી. આવામાં પાકિસ્તાનની ટીમ 24 ઓવરમાં બાંગ્લાદેશની બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરવા માંગશે. જો પાકિસ્તાનને બીજા દિવસે બાંગ્લાદેશના કેટલાક બેટ્સમેનોને આઉટ કરવામાં સફળતા મળે છે તો ત્રીજા દિવસે તે બાકીના બેટ્સમેનોને આઉટ કરીને મોટી લીડ લઈ શકે છે.
સચિન તેંડુલકર પણ ચૂકી ગયો હતો બેવડી સદી
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટમાં બેવડી સદી નજીક આવવાને લઈને મોટો વિવાદ થયો છે. 2004 ના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર બેવડી સદીની નજીક હતો, પરંતુ કાર્યકારી કેપ્ટન રાહુલ દ્રવિડે 194 રન સુધી પહોંચ્યા પછી ઈનિંગ્સ જાહેર કરી. આ વાત પર સચિન તેંડુલકર ખૂબ ગુસ્સે થયો હતો. ત્યારબાદમાં કોચ જોન રાઈટે તેની માફી માંગી અને કેપ્ટન સૌરવ ગાંગુલીએ અફસોસ વ્યક્ત કર્યો. રાહુલ દ્રવિડે તેની સાથે વાત કરી અને કહ્યું કે આ ટીમના હિતમાં લેવાયેલો નિર્ણય હતો, પરંતુ સચિન તેંડુલકરે તેને ઘણી ઝાટકણી કાઢી હતી.