• અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો
  • ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અફઘાનિસ્તાનના સહાયક કોચ બનાવ્યા
  • શ્રીધરે રવિ શાસ્ત્રીના કાર્યકાળ (કોચિંગ) દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે કામ કર્યું

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અફઘાનિસ્તાનના સહાયક કોચ હશે. અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. આર શ્રીધર આ સિરીઝમાં અફઘાનિસ્તાનની કોચિંગ કરશે. આ પહેલા આર શ્રીધરે ટીમ ઈન્ડિયામાં રવિ શાસ્ત્રીના કાર્યકાળ (કોચિંગ) દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે કામ કર્યું હતું. હવે આ ખેલાડી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સાથે કામ કરશે.

કોણ છે આર શ્રીધર?

આર શ્રીધર હૈદરાબાદ માટે લેફ્ટ આર્મ સ્પિનર તરીકે રમી ચૂક્યો છે. આ ખેલાડીએ 2001માં કોચિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે 2014 અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય જુનિયર ટીમ સાથે જોડાયો હતો. આ પછી, તે 2014 થી 2017 સુધી IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો સ્પિન બોલિંગ કોચ હતો. તે જ સમયે, તે જ વર્ષે તે ભારતીય ટીમમાં પણ જોડાયો હતો. શ્રીધર લેવલ-3 પ્રમાણિત કોચ છે, એસીબીએ કહ્યું છે કે ભવિષ્યમાં શ્રીધરને લાંબો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવી શકે છે.

શ્રીધરનું કરિયર

તમને જણાવી દઈએ કે આર શ્રીધરને ક્યારેય ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક મળી નથી. જોકે, તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની પ્રતિભા ચોક્કસ દેખાડી હતી. શ્રીધરે 35 ફર્સ્ટ ક્લાસ મેચો અને 14 લિસ્ટ A મેચ રમી છે, જેમાં તેણે અનુક્રમે 91 અને 14 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન

તાજેતરમાં જ રાશિદ ખાનની આગેવાનીમાં ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અફઘાનિસ્તાને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જોકે અફઘાનિસ્તાનને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ ટીમના પ્રદર્શને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

  • Follow us on: