ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને ઇનિંગ્સ અને 47 રનના માર્જીનથી હરાવ્યું છે. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં જેક લીચે 4 વિકેટ લઈને પાકિસ્તાનની ટીમની બેટિંગ લાઈન અપની કમર તોડી નાખી હતી. પાકિસ્તાનનો બીજો દાવ માત્ર 220 રનમાં સમેટાઈ ગયો હતો. બાબર આઝમ સુકાની પદ છોડ્યા બાદ પણ બીજી ઈનિંગમાં પાકિસ્તાન માટે નિષ્ફળ રહ્યો છે. તેણે પ્રથમ દાવમાં 30 રન અને બીજા દાવમાં માત્ર 5 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે આ તેમના ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક હાર છે. આ હાર સાથે પાકિસ્તાન ક્રિકેટના નામે એક શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. તેની ટીમને એવી હારનો સામનો કરવો પડ્યો છે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં અન્ય કોઈ ટીમે સહન કર્યો ન હતો.
આ મુકાબલામાં પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પાકિસ્તાનની ટીમે પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન શાન મસૂદ, અબ્દુલ્લા શફીક અને આગા સલમાનની સદીની ઇનિંગ્સ સામેલ હતી. યજમાન ટીમને ખ્યાલ નહોતો કે ઈંગ્લેન્ડ પણ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા જઈ રહ્યું છે. ઈંગ્લિશ ટીમે ઓલી પોપની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી મુલાકાતી ટીમની બેટિંગ જોવા જેવી હતી.
હેરી બ્રુક અને જો રૂટનો ચાલ્યો જાદુ
249ના સ્કોર સુધી ઈંગ્લેન્ડની 3 વિકેટ પડી ગઈ હતી, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડની ટીમ પણ 500 રનના સ્કોરથી નીચે ઓલઆઉટ થઈ જશે. પરંતુ અહીંથી જો રૂટ અને હેરી બ્રુક વચ્ચે 454 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. એક તરફ રુટે 262 રન બનાવ્યા હતા તો બીજી તરફ બ્રુકે 317 રન ફટકારીને કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી. બ્રુક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો કારણ કે તેણે આ 317 રન 98થી વધુના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા.
પોતાના ઘરમાં જ હાર્યું પાકિસ્તાન
ઈંગ્લેન્ડે પ્રથમ દાવ 823 રન પર ડિકલેર કર્યો હતો અને તેને પ્રથમ દાવમાં 267 રનની લીડ અપાવી હતી. ઈંગ્લેન્ડે ચોથા દિવસે પોતાનો દાવ ડિકલેર કરી દીધો હતો અને ત્યાર બાદ પાકિસ્તાન ટીમને હરાવવા માટે દોઢ દિવસ બાકી હતો. બીજી ઈનિંગમાં પાકિસ્તાનની ટીમની હાલત એવી હતી કે અડધી ટીમ 59 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી. પ્રથમ દાવના સદી કરનાર આઘા સલમાને ફરીથી 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને આમિર જમાલ (55 રન) સાથે 109 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.
સલમાનની વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનની આખી ટીમ આગામી 29 રનમાં જ તુટી પડી હતી. અગાઉ પાકિસ્તાન ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની સિરીઝમાં 2-0થી હારી ગયું હતું અને હવે તે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ હારના આરે છે.