• બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
  • આ મેચ બાદ ICCએ બંને ટીમોને દંડ ફટકાર્યો છે
  • ICCએ બંને ટીમોમાંથી પોઈન્ટ કાપવાનો નિર્ણય લીધો છે

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ પૂરી થઈ ગઈ છે. બાંગ્લાદેશે 10 વિકેટે જીત મેળવી હતી. બાંગ્લાદેશની ટીમ હાલમાં સિરીઝમાં આગળ છે અને ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનને કોઈ ટેસ્ટ સિરીઝમાં હરાવવાનો પ્રયાસ કરશે. પરંતુ આ દરમિયાન ICCએ પાકિસ્તાનની હારના ઘા તાજો કર્યો છે, ત્યારે બાંગ્લાદેશની જીતની ઉજવણીમાં પણ થોડી ઝાંખી પડી છે. ICCએ બંને ટીમોમાંથી પોઈન્ટ કાપવાનો મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે.

સ્લોઓવર રેટના કારણે ICCએ સજા ફટકારી

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની મેચો રમાઈ રહી છે. ICC આના પર ચાંપતી નજર રાખે છે. જો સહેજ પણ ભૂલ થાય તો ICC તરત જ તેને સજા આપવા માટે પગલાં લે છે. ICCએ ચુકાદો આપ્યો છે કે રાવલપિંડીમાં રમાયેલી પાકિસ્તાન વિ બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટમાં ધીમી ઓવરરેટને કારણે પાકિસ્તાનના 6 પોઈન્ટ અને બાંગ્લાદેશના 3 પોઈન્ટ કાપવામાં આવશે. પાકિસ્તાન પહેલાથી જ હારી ચૂક્યું છે, તેથી તે WTC પોઈન્ટ ટેબલમાં સીધા આઠમા સ્થાને પહોંચી ગયું છે. આ સાથે જ બાંગ્લાદેશે જીત બાદ મેળવેલા પોઈન્ટમાંથી ત્રણ પોઈન્ટ કાપવામાં આવશે. મતલબ કે બંને ટીમોને થોડું નુકસાન થયું છે.

સમગ્ર મેચમાં બાંગ્લાદેશની ટીમનો દબદબો

મેચની વાત કરીએ તો આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 6 વિકેટે 448 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. કેપ્ટન શાન મસૂદને લાગ્યું હશે કે આ રન બાંગ્લાદેશ માટે પૂરતા હશે. પરંતુ બાંગ્લાદેશના બેટ્સમેનો કંઈક બીજું જ વિચારી રહ્યા હતા. બાંગ્લાદેશે તેના પ્રથમ દાવમાં 565 રન બનાવ્યા હતા. આ સાથે બાંગ્લાદેશને પ્રથમ દાવના આધારે લીડ મળી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે તેની આખી ટીમ 146 રન પર જ સિમિત થઈ ગઈ હતી. એટલે કે હવે આ મેચ સંપૂર્ણપણે બાંગ્લાદેશના હાથમાં હતી. બાંગ્લાદેશે મેચના બીજા દાવમાં કોઈ પણ નુકશાન વિના 30 રન બનાવ્યા અને મેચ 10 વિકેટે જીતી લીધી.

પાકિસ્તાની ટીમ ઘરઆંગણે ટેસ્ટમાં 10 વિકેટે હારી

પાકિસ્તાન ક્રિકેટ માટે આ એક કાળો દિવસ હતો. પહેલી વાત એ હતી કે બાંગ્લાદેશે પાકિસ્તાનને પહેલીવાર ટેસ્ટમાં હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાનની ટીમ આ પહેલા ક્યારેય ઘરઆંગણે 10 વિકેટથી હાર્યું ન હતું. નબળી ગણાતી બાંગ્લાદેશ જેવી ટીમે પાકિસ્તાન સાથે એવું કર્યું જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. હવે જોવાનું એ રહે છે કે પાકિસ્તાની ટીમ આગામી મેચમાં કેવી રીતે વાપસી કરશે, જ્યારે બાંગ્લાદેશની ટીમ પણ આ જ ટ્રેન્ડ ચાલુ રાખવામાં સફળ રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.


  • Follow us on: