- T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
- PCB ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મુકી શકે છે કાપ
- PCB કોચના રિપોર્ટ બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે
T20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કાપ મૂકવા પર વિચાર કરી રહ્યું છે. જેમાં ટીમના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનું નામ પણ સામેલ છે. આ બંને ખેલાડીઓએ પોતાના ખરાબ પ્રદર્શનથી ટીમને ઘણી નિરાશ કરી છે. રિપોર્ટ અનુસાર જો આ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કાપ મુકવામાં આવે છે તો બાબર અને રિઝવાન PCBને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લેવાનો ઇનકાર કરી શકે છે.
PCB કોચના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે
T20 વર્લ્ડકપ 2024 પહેલા ગેરી કર્સ્ટનને પાકિસ્તાન ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. આમ છતાં વર્લ્ડકપમાં ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. બાબર આઝમની ટીમ સુપર-8માં પણ પોતાનું સ્થાન બનાવી શકી નથી. વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ ખુદ કોચ ગેરી કર્સ્ટને પાકિસ્તાનની ટીમ પર સવાલો ઉઠાવ્યા હતા. હવે પીસીબી કોચના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. જે બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
બાબર-રિઝવાન ગ્રેડ-Aમાંથી નીચે જશે
વાસ્તવમાં, બંને મોટી ટૂર્નામેન્ટ, ODI વર્લ્ડકપ અને હવે T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ODI વર્લ્ડકપ બાદ બાબરે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી પરંતુ T20 વર્લ્ડકપ પહેલા બાબરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં બાબર અને રિઝવાન બંનેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. પાકિસ્તાન તેની પ્રથમ લીગ મેચમાં યજમાન યુએસએ જેવી નબળી ટીમ સામે હારી ગયું હતું.
આ વર્લ્ડકપમાં ટીમ માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી હતી. ત્યારથી કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે PCB આ ખેલાડીઓને ગ્રેડ-એમાંથી ડાઉનગ્રેડ કરવાનું વિચારી રહ્યું છે. PCB આ અંગે એક સમિતિ તૈયાર કરશે. જોકે, ખેલાડીઓના પગારમાં કોઈ કાપ મુકવામાં આવશે નહીં.