- પૂર્વ સિલેકટરે ઈન્ઝમામે બોર્ડ પર લગાવ્યા ગંભીર આરોપ
- પાકિસ્તાનની ટીમની હાલત માટે ઝકા અશરફ જવાબદાર
- PCBનું અધ્યક્ષ પદેથી ઝકા અશરફે આપ્યું રાજીનામું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં શરૂ થયેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ખરાબ હાલત માટે પૂર્વ અધ્યક્ષ ઝકા અશરફને જવાબદાર ગણાવ્યા છે. ઈન્ઝમામ ઉલ હકનું કહેવું છે કે ઝકા અશરફના કારણે જ પાકિસ્તાનની ટીમ ગયા વર્ષના ODI વર્લ્ડકપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકી ન હતી. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પાકિસ્તાનની કારમી હાર બાદ ઝકા અશરફે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઝકા અશરફને ગયા વર્ષે જુલાઈમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં વિવાદ યથાવત
ઈન્ઝમામ ઉલ હકે આરોપ લગાવ્યો કે વર્લ્ડકપ દરમિયાન ઝકા અશરફે સતત ટીમના મનોબળને નીચે લાવવાનું કામ કર્યું હતું. ઝકા અશરફે વર્લ્ડકપ દરમિયાન કહ્યું હતું કે ટીમની પસંદગી બોર્ડે નહીં પણ કેપ્ટન અને પસંદગીકારોએ કરી છે. ઈન્ઝમામનું માનવું છે કે આ નિવેદનની પાકિસ્તાનના ખેલાડીઓ પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. ઈન્ઝમામે કહ્યું, "શું તમે કલ્પના કરી શકો છો કે PCB અધ્યક્ષ તરફથી આવા નિવેદન એવા સમયે આપ્યું જ્યારે ખેલાડીઓ ભારતમાં વર્લ્ડકપ જેવી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રમી રહ્યા છે? તમારા અધ્યક્ષ કહી રહ્યા છે કે ટીમની પસંદગી કેપ્ટન અને સિલેક્ટર દ્વારા જ કરવામાં આવી છે.
ઈન્ઝમામે બોર્ડ પર લગાવ્યા ગંભીર આરોપ
ઈન્ઝમામ ઉલ હક પર વર્લ્ડકપ દરમિયાન અંગત હિતોના ટકરાવનો આરોપ લાગ્યો હતો. આ આરોપોને કારણે ઈન્ઝમામ ઉલ હકે વર્લ્ડકપની મધ્યમાં મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ અંગે વાત કરતા પૂર્વ કેપ્ટને કહ્યું કે, "જો ખેલાડીઓને વર્લ્ડકપની વચ્ચે ખબર પડશે કે ચીફ સિલેક્ટરે રાજીનામું આપી દીધું છે અને તેમની સામે તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે તો તેમની હાલત શું થશે." આવું બીજે ક્યાં થાય? હું હજુ પણ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું. મારે જાણવું છે કે પસંદગીકાર તરીકે મે શું ફાયદો ઉઠાવ્યો હતો
ઈન્ઝમામનું માનવું છે કે આ બધી બાબતોના કારણે વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમના પ્રદર્શનને અસર થઈ હતી. ઈન્ઝમામ પણ માને છે કે પાકિસ્તાનની ટીમ ઘણી સારી છે, તેને માત્ર બોર્ડના સંપૂર્ણ સમર્થનની જરૂર છે.