• રિંકુ ભારતની તરફથી રેડ બોલ ફોર્મેટમાં પણ ચમકશે
  • ભવિષ્યમાં આ ખેલાડી રિંકુ સિંહની ટીમ ઈન્ડિયાના ટેસ્ટ પ્લાનનો ભાગ બની શકે
  • રિંકુ ભારત માટે લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં ભરોસાપાત્ર ફિનિશર બની ચૂક્યા છે

લિમિટેડ ઓવરમાં ટીમ ઈન્ડિયાના નવા ફિનિશર તરીકે ઉભરેલા રિંકુ સિંહને તેના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. રિંકુ સિંહને ઈંગ્લેન્ડ લાયન્સ સામે 24 જાન્યુઆરીથી શરૂ થનારી ચાર દિવસીય મેચ માટે ઈન્ડિયા Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે રિંકુ સિંહ હવે રેડ બોલ ફોર્મેટમાં પણ ભારત માટે પ્રદર્શન કરતા જોવા મળશે. એટલું જ નહીં, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે રિંકુ સિંહ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ પ્લાનનો મહત્વનો ભાગ બની શકે છે.

બીસીસીઆઈએ રિંકુ સિંહને લઈને આપી જાણકારી

બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને રિંકુ સિંહના ઈન્ડિયા Aમાં જોડાવાની જાણકારી આપી છે. BCCIએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "રિંકુ સિંહને 24 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ શરૂ થનારી બીજી ચાર દિવસીય મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે." રિંકુ સિંહે તાજેતરમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રીજી T20 મેચમાં ભારતે માત્ર 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રિંકુ સિંહે રોહિત શર્મા સાથે મળીને 69 રનની અણનમ ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધી. રિંકુ સિંહની ઇનિંગની સૌથી ખાસ વાત છેલ્લી ઓવરમાં ફટકારેલી સિક્સરની હેટ્રિક હતી. આ પછી એ સ્પષ્ટ થઈ ગયું કે રિંકુ સિંહ હવે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ભારત માટે ભરોસાપાત્ર ફિનિશર બની ગયો છે.

રિંકુએ કમાલ કર્યો છે

રિંકુ સિંહ ગયા વર્ષે IPLમાં એક ઓવરમાં 5 સિક્સ મારવાને કારણે ચર્ચામાં રહ્યા હતા. આ પછી રિંકુ સિંહને ટી20 ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી. રિંકુએ આ તકનો લાભ લેવામાં કોઈ કસર છોડી નથી. રિંકુ સિંહે અત્યાર સુધીમાં 15 T20 મેચ રમી છે અને 89ની એવરેજ અને 176ની સ્ટ્રાઈક રેટથી 356 રન બનાવ્યા છે. ખેલાડીએ T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 20 સિક્સર ફટકારી છે. રિંકુ સિંહને પણ અત્યાર સુધીમાં બે વનડે મેચ રમવાની તક મળી છે.

બીજી ચાર દિવસીય મેચ માટે ભારત A ટીમ:

અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), સાંઈ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, કુમાર કુશાગ્ર, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, અર્શદીપ કુમાર, તુષાર દેશપાંડે, ઉપેન્દ્ર યાદવ, આકાશ દીપ, યશ દયાલ, રિંકુ સિંહ.

  • Follow us on: