- 30 ઓગસ્ટથી એશિયા કપની થશે શરૂઆત
- 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- પાકિસ્તાનના નામે સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ
એશિયા કપ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમવામાં આવશે. એશિયા કપમાં અત્યાર સુધી ભારત સૌથી વધુ 7 વખત ખિતાબ જીત્યું છે. જો કે, આમ છતાં વનડે ફોર્મેટમાં પાકિસ્તાનના નામે એક ખાસ રેકોર્ડ છે. જેમાં ટીમ ઈન્ડિયા પાછળ છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન પાકિસ્તાની ટીમે બનાવ્યા છે.
પાકિસ્તાને 385 રન બનાવ્યા હતા
વનડે ફોર્મેટમાં એશિયા કપનો સૌથી મોટો સ્કોર પાકિસ્તાન ક્રિકેટ ટીમે 2010માં બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકાના દામ્બુલામાં બનાવ્યો હતો. પાકિસ્તાને મેચમાં 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 385 રન બનાવ્યા હતા. મેચમાં ટીમ માટે શાહિદ અફરીદીએ 60 બોલમાં 206.67ના સ્ટ્રાઈક રેટ સાથે 124 રનની ઈનિંગ રમી હતી. જેમાં 17 ફોર અને 4 સિક્સ સામેલ છે. પાકિસ્તાને આ મેચમાં 139 રને જીત મેળવી હતી. મેચમાં શાહિદ અફરીદીને શાનદાર ઈનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
મોટો સ્કોર બનાવવામાં ટીમ ઈન્ડિયા બીજા સ્થાને
ટીમ ઈન્ડિયા સૌથી મોટો સ્કોર બનાવવા મામલે પાકિસ્તાન બાદ બીજા નંબરે આવે છે. ભારતે 2008માં હોંગકોંગ વિરુદ્ધ પાકિસ્તાનના કરાચીમાં 50 ઓવરમાં 4 વિકેટના નુકસાને 374 રન બનાવ્યા હતા. મેચમાં એમએસ ધોનીએ નંબર 4 પર બેટિંગ કરીને અણનમ 109 રન અને સુરેશ રૈનાએ નંબર 5 પર 101 રનની ઈનિંગ રમી હતી. ભારતે આ મેચમાં 256 રને જીત મેળવી હતી. જે અત્યારસુધીના વનડે એશિયા કપમાં સૌથી મોટી જીત છે.