• પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
  • પ્રથમ મેચ રાવલપિંડીમાં અને બીજી મેચ કરાચીમાં રમાશે
  • ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટેનું બજેટ જાહેર કરી દીધું છે

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 21 ઓગસ્ટથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. પ્રથમ મેચ રાવલપિંડીમાં અને બીજી મેચ કરાચીમાં રમાશે. પરંતુ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ દર્શકો વિના રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનની ધરતી પર થવાનું છે અને તેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પહેલાથી જ ICCને શેડ્યૂલ મોકલી દીધું છે.

બીજી ટેસ્ટ મેચ પ્રશંસકો વિના યોજાશે

કોવિડ-19ના દિવસોની યાદ અપાવતા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ ખાલી સ્ટેડિયમમાં યોજવાનું નક્કી કર્યું છે. PCBએ કહ્યું કે આવતા વર્ષની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીમાં સ્ટેડિયમમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને કારણે આ મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે અમે સમજીએ છીએ કે અમારા ઉત્સાહી દર્શકો ક્રિકેટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે અમારા ખેલાડીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. જો કે, અમારા ચાહકોનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "તમામ ઉપલબ્ધ વિકલ્પો પર કાળજીપૂર્વક વિચાર કર્યા પછી, અમે નક્કી કર્યું છે કે ખાલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ યોજવી એ સૌથી સુરક્ષિત અભિગમ છે." બોર્ડે કહ્યું કે આ નિર્ણયના પરિણામે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રમાનારી બીજી ટેસ્ટની ટિકિટોનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. બોર્ડે કહ્યું કે જે ચાહકોએ પહેલેથી જ ટિકિટ ખરીદી લીધી છે તેમને આપોઆપ સંપૂર્ણ રિફંડ મળશે જે ટિકિટ ખરીદતી વખતે આપેલી ખાતાની વિગતોમાં જમા થશે.

BCCIએ અંતિમ નિર્ણય સરકાર પર છોડી દીધો

પાકિસ્તાન અહીં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટેનું બજેટ જાહેર કરી દીધું છે, પરંતુ ભારતીય ટીમની ત્યાં મુલાકાત હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. BCCIએ અંતિમ નિર્ણય સરકાર પર છોડી દીધો છે.

PCB ચીફ મોહસિન નકવીએ તેમના કાર્યાલય અને સાથીઓને સલાહ આપી હતી કે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમ મોકલવાના ભારતના નિર્ણય સાથે સંબંધિત કોઈ નિવેદન ન આપે. ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. હવે ભારત અને પાકિસ્તાન માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ રમતા જોવા મળે છે.

  • Follow us on: