- વિનેશ ફોગાટ 100 ગ્રામ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઇ
- વિનેશે આ નિર્ણય સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી
- વિનેશ ફોગાટ વતી 4 વકીલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં તેનું પ્રતિનિધિત્વ કરશે
વિનેશ ફોગાટ 100 ગ્રામ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવી છે. ફાઈનલ પહેલા આખી રાત તે અશક્યને શક્ય બનાવવાનો પ્રયાસ કરતી રહી. પરંતુ તે મંજિલથી થોડાક જ ડગલાં દૂર રહી. મોડી રાત્રે વિનેશે આ નિર્ણય સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. તેઓએ સંયુક્ત રીતે સિલ્વર મેડલ વિજેતા જાહેર કરવા અપીલ કરી છે. સારી વાત એ છે કે તેની અરજી સ્વીકારવામાં આવી છે અને CAS થોડા કલાકોમાં તેનો નિર્ણય આપશે.
વિનેશ માટે 4 વકીલો
વિનેશ ફોગાટ વતી 4 વકીલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં તેનું પ્રતિનિધિત્વ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર્લ્સ એમ્સન, હેબિન એસ્ટેલ કિમ, એસ્ટેલ ઇવાનોવા અને જોએલ મોનલુઇસ ભારતીય રેસલર વતી દલીલો રજૂ કરશે. નિયમો અનુસાર, ઓલિમ્પિક રમતો શરૂ થયાના 10 દિવસની અંદર ઉદ્ભવતા વિવાદોને CAS દ્વારા ઉકેલી શકાય છે.
કયા સમયે આવશે નિર્ણય?
એવું માનવામાં આવે છે કે વિનેશ ફોગાટના કેસમાં CAS રાત્રે 8.15 વાગ્યે પોતાનો નિર્ણય આપી શકે છે. જો કે, કુસ્તીના નિયમોને ધ્યાનમાં લેતા, આ નિર્ણય પલટાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. હવે કોઈ ચમત્કાર જ વિનેશ ફોગટને મેડલ અપાવી શકે છે. દરમિયાન, આ મોટા આંચકાથી નિરાશ વિનેશ ફોગાટે આંતરરાષ્ટ્રીય કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે તે ભાંગી ગઈ છે અને હવે તેનામાં કોઈ હિંમત નથી.
વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પહેલી જ મેચમાં 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાને હરાવી હતી. આ પછી, તેણે સતત બે મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. પરંતુ અચાનક વજન વધવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.