• પેરિસ ઓલિમ્પિકમાં ભારતને રેસલિંગમાં મોટો ઝટકો લાગ્યો હતો
  • વિનેશ ફોગાટ ઓવર વેઈટ હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી
  • આ અંગે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કુસ્તીબાજ જોર્ડન બરોઝનું નિવેદન

પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ મેચ પહેલા ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવતા હોબાળો મચી ગયો છે. વિનેશ બુધવારે રાત્રે 50 કિગ્રા કુસ્તી ગોલ્ડ મેડલ મેચ માટે યુએસએની સારાહ હિલ્ડેબ્રાન્ડ સાથે સ્પર્ધા કરવાની હતી, પરંતુ તે પહેલા જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે વિનેશ પેરિસ ઓલિમ્પિકમાંથી ખાલી હાથે પરત ફરશે. વિનેશની અયોગ્યતા અંગેના વિવાદ વચ્ચે, 2012 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કુસ્તીબાજ જોર્ડન બરોઝનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે વિનેશને સિલ્વર મેડલ અપાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.

આ કિસ્સાથી IOC જાગૃત થશે

અમેરિકન રેસલર જોર્ડન બુરોઝે X પર એક પોસ્ટ કરીને આ મામલે પ્રતિક્રિયા આપી. તેમણે વિનેશ ફોગટને સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. આ સાથે તેણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) પાસેથી કેટલાક ફેરફારોની માંગ કરી હતી. તેણે લખ્યું- “કદાચ આ કિસ્સો IOCને જાગૃત કરશે. મને લાગે છે કે કુસ્તીમાં છ કરતાં વધુ વજન વર્ગની જરૂર છે. વિશ્વ-કક્ષાના સ્પર્ધકો સામેની ત્રણ કપરી મેચો પછી કોઈપણ રમતવીરને આ રીતે ગોલ્ડ મેડલની તૈયારીમાં રાતો વિતાવવી ન જોઈએ. ભારતીય ટીમ સંપૂર્ણપણે નિરાશ છે.

વજનના નિયમમાં બદલાવ કરવો જોઈએ

જોર્ડને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) ને પણ નિયમો બદલવા માટે કહ્યું છે. તેણે લખ્યું- બીજા દિવસે 1 કિલો વધુ વજનમાં છુટ આપવી જોઈએ. સવારે 8:30 થી 10:30 સુધી વજન કરવાનો સમય આપવો જોઈએ.ફાઇનલમાં જો વિરોધી ફાઇનલિસ્ટ વજન ઘટાડવામાં નિષ્ફળ જાય તો તેને હારનો સામનો કરવો પડે છે. સેમિફાઇનલમાં વિજય મેળવ્યા બાદ બંને ફાઇનલિસ્ટના મેડલ સુરક્ષિત હોવા જોઇએ. બીજા દિવસે વજન ઘટાડી ન શકે તો પણ. માત્ર તે જ કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીતી શકે છે જે બીજા દિવસે વજન ઘટાડશે. વિનેશને સિલ્વર મેડલ આપવો જોઈએ.

જોર્ડને વિનેશનું વજન ઓછું કરવા અંગે પણ મોટી વાત કહી. તેણે લખ્યું કે આજે સવારે વિનેશનું વજન માત્ર 100 ગ્રામ અથવા 0.22 પાઉન્ડ વધુ હતું. આ 100 ગ્રામ વજન સાબુના 1 બાર, 1 કીવી, 2 ઇંડા અને 100 પેપર ક્લિપ્સ જેટલું છે.

મેડલ મેળવવો અશક્ય

વિનેશની સાથે આંદોલનમાં ભાગ લેનારી રેસલર સાક્ષી મલિકે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. સાક્ષીએ કહ્યું- વજન ઘટાડવું એ મેટ પર કુસ્તી કરતા પણ મોટો સંઘર્ષ છે. બીજી તરફ, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના વડા નેનાદ લાલોવિકે કહ્યું છે કે સ્થિતિ દુઃખદ છે, પરંતુ હવે કંઈ કરી શકાય તેમ નથી. વિનેશને મેડલ અપાવવાના સવાલ પર લાલોવિચે કહ્યું- તે અશક્ય છે.


  • Follow us on: