- T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન
- ત્રણ ખેલાડીઓને વિદેશી લીગ રમવા ના મળ્યું NOC
- PCBએ બાબર, રીઝવાન અને શાહીનને ના આપ્યું NOC
T20 વર્લ્ડકપ 2024ના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ખેલાડીઓ પર કડક બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. PCB તેના તમામ ખેલાડીઓને વર્ષમાં માત્ર બે વિદેશી ક્રિકેટ લીગ રમવાની પરવાનગી આપે છે. પરંતુ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, વિકેટકીપર મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને હજુ સુધી વિદેશી ક્રિકેટ લીગમાં રમવાની પરવાનગી આપવામાં આવી નથી.
આ ખેલાડીઓને ના મળી NOC
PCBએ હજુ સુધી તેની ટીમના કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીને GT20 કેનેડા લીગમાં ભાગ લેવા માટે NOC આપી નથી. GT20 કેનેડા લીગ 25 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે, જ્યારે પાકિસ્તાનની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ 19 ઓગસ્ટની આસપાસ શરૂ થશે.
PCBએ મંગળવારે અલગ-અલગ લીગ માટે 12 ખેલાડીઓને NOC જારી કર્યા છે. પરંતુ આ 12 ખેલાડીઓમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીનું નામ સામેલ નથી. આ ત્રણેય ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ટોપ કેટેગરીમાં આવે છે. PCBના એક અધિકારીએ જણાવ્યું કે PCB ગ્લોબલ લીગની પરિસ્થિતિથી આરામદાયક નથી અને તેણે આયોજકો અને ICC પાસેથી કેટલીક માહિતી માંગી છે, જેના કારણે NOC જારી કરવામાં વિલંબ થયો છે.
PCBએ આ ખેલાડીઓને આપી NOC
PCBએ 4 થી 28 જુલાઈ સુધી USA મેજર લીગ માટે અબરાર અહેમદ, હરિસ રઉફ અને જમાન ખાનને NOC આપી છે. મોહમ્મદ હારિસ, મોહમ્મદ હુસેન, સલમાન અલી આગા, શાદાબ ખાનને લંકા પ્રીમિયર લીગ માટે પરવાનગી મળી. સાથે જ ફખર ઝમાનને પણ કેરેબિયન પ્રીમિયર લીગ માટે NOC મળી ગયું છે. બીજી તરફ કાઉન્ટી ક્રિકેટ માટે ઉસામા મીર અને મોહમ્મદ આમિરને મંજૂરી આપવામાં આવી છે.