- ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો
- રવિન્દ્ર જાડેજાએ નિવૃતિની કરી જાહેરાત
- પીએમ મોદીએ જાડેજા માટે કરી ખાસ પોસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. ભારતે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. જ્યાં એક તરફ દેશવાસીઓમાં ઉજવણીનો માહોલ છે અને ભારતીય ટીમને દેશ-વિદેશમાંથી અભિનંદન મળી રહ્યા છે તો બીજી તરફ એક પછી એક ત્રણ ખેલાડીઓએ ચાહકોના દિલ તોડી નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિને લઈને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
જાણો વડાપ્રધાને શું કહ્યું?
પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. ક્રિકેટ પ્રેમીઓ તમારા સ્ટાઇલિશ સ્ટ્રોક પ્લે, સ્પિન અને શાનદાર ફિલ્ડિંગની પ્રશંસા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં T20માં તમારા શાનદાર પ્રદર્શન માટે આભાર. હું તમને તમારા ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવું છું.
રવિન્દ્ર જાડેજાએ કરી હતી સંન્યાસની જાહેરાત
તમને જણાવી દઈએ કે આ પહેલા રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું, "ખૂબ કૃતજ્ઞતા સાથે, હું T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી રહ્યો છું." મેં હંમેશા ગર્વથી દોડતા ઘોડાની જેમ મારા દેશ માટે 100 ટકા આપ્યું છે અને આપતો રહીશ... T20 વર્લ્ડકપ જીતવું એ એક સ્વપ્ન સાકાર થયું છે, યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર.
રોહિત-વિરાટે પણ લીધી નિવૃતિ
આ પહેલા T20 વર્લ્ડકપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. જો કે હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાઈ ગયો છે. આ રીતે T20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યા બાદ ભારતના ત્રણ મોટા ખેલાડીઓએ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.