- પૃથ્વી શો શાનદાર ફોર્મમાં
- ઈંગ્લેન્ડમાં પૃથ્વીએ ફટકારી બીજી સદી
- અગાઉ બેવડી સદી ફટકારી હતી
ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો ફોર્મમાં પરત આવવા માટે અત્યારે કાઉન્ટી ટીમ નાર્થમ્પટનશર માટે રોયલ લંડન વનડે કપમાં રમી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પૃથ્વી શોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ડેબ્યૂ બાદ બીજી મેચમાં બેવડી સદી ફટકારનારા શોએ ત્રીજી મેચમાં પણ તૂફાની સદી ફટકારીને તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
પ્રથમ મેચમાં પ્રરદર્શન સારૂં નહતું
પૃથ્વી શો માટે રોયલ લંડન વનડે કપમાં શરૂઆત સારી રહી નહતી. પ્રથમ મેચમાં એક બાઉન્સ બોલ પર પૃથ્વી આઉટ થયો હતો. જે બાદ બીજી મેચમાં શોએ શાનદાર વાપસી કરીને 244 રનની ઈનિંગ રમી હતી. હવે પૃથ્વીએ પોતાનું આ ફોર્મ જાળવી રાખીને ડરહમ વિરુદ્ધની મેચમાં પણ અણનમ 122 રનની ઈનિંગ રમી છે.
નાર્થમ્પટનશરની ટીમને 199 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ડરહમ વિરુદ્ધ મેચમાં નાર્થમ્પટનશરની ટીમને 199 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પૃથ્વી શોએ ઓપનિંગથી જ એક છેડાની ઈનિંગ સંભાળીને રાખી હતી. શોએ આ મેચમાં 68 બોલ પર પોતાની સદી પૂર્ણ કરી હતી. સાથે શોએ પોતાની 125 રનની અણનમ ઈનિંગમાં 15 ફોર અને 7 સિક્સ પણ લગાવી છે. નાર્થમ્પટનશરની ટીમે 25.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.
2021માં પૃથ્વી રમ્યો હતો છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ
પૃથ્વી શો ગત થોડા વર્ષોથી સારૂં પ્રદર્શન કરી શક્યો નથી. વર્ષ 2021ના જુલાઈ મહિનામાં પૃથ્વી ભારતીય ટીમ માટે છેલ્લી મેચ રમ્યો હતો. જે બાદ તેમને આજ સુધી આંરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી નથી. IPLની 16મી સિઝનમાં પણ શો કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. જેથી ટીમ ઈન્ડિયામાં ફરી વાપસી કરવા માટે પૃથ્વીએ ઈંગ્લેન્ડની ઘરેલૂ વનડે ટૂર્નામેન્ટમાં રમવાનો નિર્ણય લીઘો છે.