• IPL 2023 પહેલા પંજાબ કિંગ્સનો મોટો નિર્ણય
  • મયંક અગ્રવાલને હટાવી શિખર ધવનને બનાવ્યો ટીમનો કપ્તાન
  • PBKSએ ટ્વીટ કરી નવા કેપ્ટનની નિમણૂકની કરી જાહેરાત

IPL 2023 પહેલા પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે, મયંક અગ્રવાલને કેપ્ટન્સીથી હટાવી દેવામાં આવ્યો છે. હવે શિખર ધવનને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી છે.

પંજાબની કમાન 'ગબ્બર'ના હાથમાં  

તમામ ક્રિકેટ ચાહકો હાલમાં T20 વર્લ્ડકપ 2022માં વ્યસ્ત છે, આ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ કિંગ્સે ફરી એકવાર પોતાનો કેપ્ટન બદલ્યો છે અને શિખર ધવનને કમાન સોંપવામાં આવી છે. અગાઉ મયંક અગ્રવાલ પાસે પંજાબ કિંગ્સની કમાન હતી, પરંતુ નવી સિઝન પહેલા ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

પંજાબ કિંગ્સે ટ્વીટ કરી આપી જાણકારી

આ જાણકારી પંજાબ કિંગ્સે સોશિયલ મીડિયા પર આપી હતી. પંજાબ કિંગ્સે ટ્વીટ કર્યું કે અમને જણાવતા આનંદ થાય છે કે શિખર ધવન પંજાબ કિંગ્સના નવા કેપ્ટન હશે. 36 વર્ષીય શિખર ધવન ગયા વર્ષે જ પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલો હતો, તે પહેલા તે દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે હતો. પંજાબ કિંગ્સે ગત સિઝનમાં જ મયંક અગ્રવાલને કેપ્ટન જાહેર કર્યો હતો, પરંતુ ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી.

મેગા ઓક્શનમાં ગબ્બરને 8.25 કરોડમાં ખરીદ્યો

જો શિખર ધવનની વાત કરીએ તો પંજાબ કિંગ્સે તેને મેગા ઓક્શનમાં 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં તેણે પંજાબ કિંગ્સ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને 14 મેચમાં 460 રન બનાવ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલ સમગ્ર સિઝનમાં માત્ર 196 રન જ બનાવી શક્યો હતો.


મયંક અગ્રવાલ સુપર ફ્લોપ સાબિત થયો

પંજાબ કિંગ્સ ટીમ તરીકે સારું પ્રદર્શન કરી શક્યું ન હતું, સાથે જ બેટ્સમેન તરીકે મયંક અગ્રવાલનું પ્રદર્શન પણ ખુબ જ ખરાબ રહ્યું હતું. વર્ષ 2022માં, પંજાબ કિંગ્સ IPL 2022માં 14 મેચમાં 7 જીતી અને 7 હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર રહ્યું હતું.

ધવન પંજાબ કિંગ્સનો 14મો કેપ્ટન

શિખર ધવન અગાઉ પંજાબ કિંગ્સ માટે એક મેચમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તેણે દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશિપ પણ કરી છે. શિખર ધવન પંજાબ કિંગ્સનો 14મો કેપ્ટન હશે. પંજાબ કિંગ્સના સૌથી સફળ કેપ્ટનની વાત કરીએ તો એડમ ગિલક્રિસ્ટ અને યુવરાજ સિંહ 17 જીત સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. પંજાબ કિંગ્સના કેપ્ટનોની યાદીમાં વીરેન્દ્ર સેહવાગ, મહેલા જયવર્દને, કેએલ રાહુલ, કુમાર સંગાકારા સહિત ઘણા દિગ્ગજોના નામ સામેલ છે.

  • Follow us on: