- દરવાજા કોઈના માટે બંધ નથી હોતાઃ દ્રવિડ
- શાનદાર ટીમ સાથે કામ કરવું એ સૌભાગ્યની વાત છેઃકોચ
- વાર્ષિક કોન્ટ્રાક્ટ 2023-24ની યાદીમાં બંને ખેલાડીઓની બાદબાકી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બીસીસીઆઈના વાર્ષિક કરારમાંથી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બાકાત રાખવા અંગે પહેલીવાર કોઈ પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ વાર્ષિક કોન્ટ્રાક્ટ 2023-24ની યાદીમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનું નામ નથી. રાહુલ દ્રવિડે આ અંગે પહેલીવાર કંઇક કહ્યું છે. વાસ્તવમાં, ભારતે ધર્મશાલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને એક દાવ અને 64 રને હરાવ્યું અને 5 મેચની શ્રેણી 4-1થી જીતી લીધી. આ પછી જ્યારે દ્રવિડને ઈશાન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે દરવાજા કોઈના માટે બંધ નથી હોતા.
દ્રવિડે કિશન-ઐયર પર વાત કરી હતી
રણજી ટ્રોફી રમવા માટે બીસીસીઆઈની સૂચનાઓનું પાલન ન કરનાર ઈશાન કિશન અને શ્રેયસ અય્યર માટે દરવાજા બંધ હોવાની અટકળો પર દ્રવિડે કહ્યું, 'રોહિત અને હું પ્લેઈંગ-11 પસંદ કરીએ છીએ. ઘણી વખત તો એ પણ ખબર પડતી નથી કે કોને કોન્ટ્રાક્ટ છે અને કોણ નથી. દરવાજા કોઈના માટે બંધ નથી. તમને જણાવી દઈએ કે BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી નવી કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ગત વખતે જગ્યા બનાવવામાં સફળ રહેલા ઘણા ખેલાડીઓના નામ નહોતા. જેમાં ચેતેશ્વર પુજારા, યુઝવેન્દ્ર ચહલ જેવા ઘણા ખેલાડીઓ સામેલ હતા.
રોહિતની કેપ્ટનશિપના વખાણ થયા હતા
બેન સ્ટોક્સની બેઝબોલ સ્ટાઈલમાં રમી રહેલી ટીમને 4-1થી હરાવ્યા બાદ, ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે રોહિતની કપ્તાનીમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા ખુશી વ્યક્ત કરી હતી. રોહિતની કપ્તાની હેઠળ, ભારતે ક્યારેય મોટા દાવા કર્યા નથી, પરંતુ પાંચ મેચોની શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમને શાનદાર રીતે 4-1થી હરાવ્યું હતું. દ્રવિડે પાંચમી ટેસ્ટ જીત્યા બાદ કહ્યું, 'આટલી શાનદાર ટીમ સાથે કામ કરવું એ સૌભાગ્યની વાત છે. હું તેની પાસેથી શીખતો રહું છું. રોહિત એક શાનદાર સુકાની છે અને તેની કેપ્ટનશીપમાં ખેલાડીઓને સુધરતા જોઈને સારું લાગે છે.
અશ્વિનની ખાસ પળ કરી યાદ
દ્રવિડે કહ્યું કે આ શ્રેણીમાં ઘણી શાનદાર ક્ષણો આવી, પરંતુ રવિચંદ્રન અશ્વિનનું વાપસી કરવું અને મુશ્કેલ વ્યક્તિગત પરિસ્થિતિમાંથી રમવું આ ટીમની ભાવનાની વાત કરે છે. તેણે કહ્યું, 'અશ્વિન પાછો આવ્યો અને તે પરિસ્થિતિઓમાં રમ્યો. તે ટીમની જીતમાં યોગદાન આપવા માંગતો હતો. તેમણે આગળ કહ્યું, 'મારા માટે તે સિરીઝની સૌથી મોટી ક્ષણ હતી. એક કોચ તરીકે આ પ્રકારનું વાતાવરણ જોઈને આનંદ થાય છે. જોકે પારિવારિક કારણોસર રાજકોટ ટેસ્ટના બીજા દિવસે અશ્વિનને ચેન્નાઈમાં પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું, પરંતુ તે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે પરત ફર્યો હતો.
કુલદીપની બોલિંગ પર પણ વાત કરી
ધર્મશાલામાં કુલદીપ યાદવના શાનદાર ફોર્મ બાદ દ્રવિડે કહ્યું, 'તે તેના માટે મુશ્કેલ હતું. તે એવા સમયે બોલિંગ કરી રહ્યો હતો જ્યારે ટીમમાં બે દિગ્ગજ (અશ્વિન અને રવીન્દ્ર જાડેજા) રમી રહ્યા છે. તે તેણે પોતાની બેટિંગ પર પણ ઘણી મહેનત કરી છે.