• રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ હવે પિતાના માર્ગ પર ચાલી રહ્યો છે
  • સમિત દ્રવિડે ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પ્રથમ સફળતા મેળવી
  • રાહુલ દ્રવિડના પુત્રને એક ટીમે 50 હજાર રૂપિયામાં સામેલ કર્યો

રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ હવે તેના પિતાના માર્ગ પર ચાલીને ક્રિકેટ જગતમાં ચમકવા માટે તૈયાર છે. સમિત દ્રવિડે ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પ્રથમ સફળતા મેળવી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડને પોતાના પુત્રની સફળતા પર ગર્વ તો થયો જ હશે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાહુલ દ્રવિડના પુત્રને એક ટીમે 50 હજાર રૂપિયામાં સામેલ કર્યો છે.

સમિત દ્રવિડ કઈ ટીમમાં જોડાયો?

સમિત દ્રવિડને મહારાજા ટ્રોફી KSCA T20 લીગ માટે મૈસૂર વોરિયર્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મૈસુર વોરિયર્સ મહારાજા ટ્રોફી KSCA T20 લીગની છેલ્લી આવૃત્તિની રનર્સ-અપ ટીમ છે. આ ટીમે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના 18 વર્ષના પુત્ર સમિત દ્રવિડને 50 હજાર રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.


સમિત કેવો ખેલાડી છે?

સમિત દ્રવિડ મિડિયમ પેસ બોલિંગ કરે છે અને મિડલ ઓર્ડરમાં બેટિંગ પણ કરે છે. મૈસૂર વોરિયર્સ પહેલા તે કર્ણાટકની અંડર-19 ટીમ તરફથી રમી ચૂક્યો છે. સમિત દ્રવિડ કૂચ બિહાર ટ્રોફી 2023-24માં કર્ણાટક માટે રમ્યો હતો અને ટીમ આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.

કરુણ નાયરના નેતૃત્વમાં રમશે સમિત

કરુણ નાયરને મૈસૂર વોરિયર્સની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. કરુણ નાયર ભારતીય ક્રિકેટ ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. કરુણે ટીમ ઈન્ડિયા તરફથી રમતા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હતી. કરુણ અને સમિત ઉપરાંત ભારતીય ટીમના સ્ટાર બોલર પ્રસિદ્ધ કૃષ્ણ પણ આ ટીમમાં સામેલ છે.


મહારાજા ટ્રોફી શું છે?

મહારાજા ટ્રોફી એ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભારતીય સ્થાનિક T20 ક્રિકેટ લીગ છે. આ લીગમાં કર્ણાટક રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી કુલ 6 ટીમો ભાગ લે છે. જેમાં ગુલબર્ગા મિસ્ટિક્સ, હુબલી ટાઈગર્સ, કલ્યાણી બેંગલુરુ બ્લાસ્ટર્સ, મેંગલુરુ ડ્રેગન, મૈસૂર વોરિયર્સ અને શિવમોગ્ગા લાયન્સનો સમાવેશ થાય છે.

મૈસુર વોરિયર્સ ટીમ

કરુણ નાયર (c), કાર્તિક સીએ, મનોજ ભંડાગે, કાર્તિક એસયુ, સુચિત જે, ગૌતમ કે, વિદ્યાધર પાટીલ, વેંકટેશ એમ, હર્ષિલ ધર્માણી, ગૌતમ મિશ્રા, સમિત દ્રવિડ, ધનુષ ગૌડા, દીપક દેવાડિગા, સુમિત કુમાર, સ્મયન શ્રીવાસ્તવ, જેસ્પર ઇજે , પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સરફરાઝ અશરફ

  • Follow us on: