હાલમાં જ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હવે IPLમાં પરત ફર્યા છે. રાજસ્થાન રોયલ્સે તેમને ફ્રેન્ચાઈઝીના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ટીમે શુક્રવારે આની જાહેરાત કરી હતી.
રાજસ્થાન રોયલ્સે જાહેરાત કરી
રાજસ્થાન રોયલ્સના X એકાઉન્ટ પર રાહુલ દ્રવિડની ગુલાબી જર્સી સાથેની એક તસવીર શેર કરવામાં આવી હતી. કેપ્શનમાં લખ્યું છે કે, ભારતના સુપ્રસિદ્ધ વર્લ્ડકપ વિજેતા કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ માટે સનસનાટીપૂર્ણ વાપસી કરવા માટે તૈયાર છે! રોયલ્સ સ્પોર્ટ્સ ગ્રૂપના સીઈઓ જેક લશ મેકક્રમ દ્વારા ક્રિકેટ આઈકનને ગુલાબી જર્સી આપવામાં આવી હતી. દ્રવિડે કહ્યું, "વર્લ્ડકપ પછી મને લાગે છે કે હવે મારા માટે અન્ય પડકારનો સામનો કરવાનો સમય આવી ગયો છે અને રોયલ્સ તેને કરવા માટે યોગ્ય જગ્યા છે,"
રાહુલ દ્રવિડની ઘરવાપસી
રાહુલ દ્રવિડ તેની જૂની ફ્રેન્ચાઈઝીમાં પરત ફર્યો છે. તેણે IPL 2012 અને 2013માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી છે. આ સિવાય તે 2014 અને 2015ની સિઝનમાં ટીમના ડાયરેક્ટર અને મેન્ટર પણ રહી ચૂક્યા છે. IPL 2016માં દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સમાં ગયો. વર્ષ 2019માં તેને નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, વર્ષ 2021 માં, તેને ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો.