• રણજી ટ્રોફીમાં તમિલનાડુને હરાવીને મુંબઈ ફાઈનલમાં પ્રવેશ્યું
  • મુંબઈએ તમિલનાડુને એક ઈનિંગ્સ અને 70 રનથી હરાવ્યું
  • મુંબઈએ 48મી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2024ની સેમીફાઈનલમાં મુંબઈએ તમિલનાડુને એક ઈનિંગ અને 70 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈએ હવે 48મી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા મુંબઈની ટીમે 47 વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને 41 વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. હવે વર્તમાન રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં મુંબઈની ટીમે અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં 48મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ મેચમાં મુંબઈ માટે શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મુંબઈ માટે શાર્દુલે સદી ફટકારી હતી અને મેચમાં 4 વિકેટ પણ લીધી હતી.

રણજી ટ્રોફીનો ઇતિહાસ

રણજી ટ્રોફીની શરૂઆત 1934-35માં થઈ હતી. પ્રથમ સિઝનમાં પણ મુંબઈ (તે સમયે બોમ્બે)ની ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારથી ટીમે કુલ 41 ટાઇટલ જીત્યા છે. છેલ્લી વખત ટીમ 2015-16માં ચેમ્પિયન બની હતી. એક સમય એવો હતો જ્યારે મુંબઈનું વર્ચસ્વ અકબંધ હતું. પરંતુ હાલમાં ટીમનો ગ્રાફ છેલ્લા એક દાયકામાં નીચે આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ટીમ માત્ર એક જ વખત ચેમ્પિયન બની છે. હવે જોવાનું એ રહેશે કે અજિંક્ય રહાણેની કપ્તાનીવાળી ટીમ આ 10 વર્ષની રાહનો અંત લાવવામાં સક્ષમ છે કે નહીં.

સેમી ફાઈનલ મેચની શું સ્થિતિ હતી?

જો મુંબઈમાં રમાયેલી આ સેમીફાઈનલ મેચની વાત કરીએ તો મુંબઈની ટીમે આ મેચ એક ઈનિંગ્સ અને 70 રનથી જીતી લીધી હતી. બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. લોઅર ઓર્ડરે ફરી એકવાર બેટિંગમાં પોતાની ચમક દેખાડી હતી. આ સિવાય છોટે ખાન એટલે કે સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને પણ ફિફ્ટીની ઇનિંગ રમી હતી. મુશીરે 55 રન બનાવ્યા હતા. તેના પછી 9માં નંબરે આવેલા શાર્દુલ ઠાકુરે 109 રન બનાવ્યા અને 10માં નંબરે આવેલા તનુષ કોટિયાને 89 રનની અણનમ ઇનિંગ રમી હતી.

તમિલનાડુની ટીમ પ્રથમ દાવમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુશીર ખાન, તનુષ કોટિયન અને શાર્દુલ ઠાકુરને 2-2 સફળતા મળી હતી. તે સિવાય તુષાર દેશપાંડેએ 3 વિકેટ પોતાના નામે કરી હતી. જવાબમાં મુંબઈએ પ્રથમ દાવમાં 378 રન બનાવ્યા હતા અને 232 રનની કમાન્ડિંગ લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં તમિલનાડુના બેટ્સમેનો ફરીથી ખરાબ રીતે ફ્લોપ થયા અને ટીમ 162 રનમાં સમેટાઈ ગઈ. આ રીતે મુંબઈએ આ મેચ એક ઈનિંગ્સઅને 70 રને જીતી લીધી હતી. શમ્સ મુલાની બીજી ઈનિંગમાં 4 વિકેટ લઈને મુંબઈનો સ્ટાર બન્યો હતો. આ ઉપરાંત મોહિત અવસ્થી, શાર્દુલ ઠાકુર અને તનુષ કોટિયાને 2-2 વિકેટ લીધી હતી.

  • Follow us on: