- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- વિરાટ કોહલી દિલ્હી સામે તેની 250મી IPL મેચ રમશે
- IPL ફ્રેન્ચાઇઝી માટે 250 મેચ રમનારો પ્રથમ ખેલાડી
IPL 2024ની 61મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. બંને ટીમો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. જો RCB હારશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે હાર્યા બાદ પણ દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાં રહેશે પરંતુ તેના માટે આગળનો રસ્તો મુશ્કેલ બની જશે. આ મેચમાં વિરાટ કોહલી આ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરશે. વિરાટ કોહલીએ IPLમાં 249 મેચ રમી છે અને રવિવારની મેચમાં પ્રવેશતાની સાથે જ તેનું નામ રેકોર્ડ બુકમાં નોંધાઈ જશે.
વિરાટ કોહલી 250મી મેચ રમશે
વિરાટ કોહલી રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે તેની 250મી IPL મેચ રમશે. આવું કરનારો તે ચોથો ખેલાડી બની જશે. કોહલી IPLની શરૂઆતથી જ RCB સાથે જોડાયેલો છે. તે IPL ફ્રેન્ચાઇઝી માટે 250 મેચ રમનારો પ્રથમ ખેલાડી બનશે. એમએસ ધોની, રોહિત શર્મા અને દિનેશ કાર્તિકે વિરાટ કોહલી કરતા વધુ મેચ રમી છે પરંતુ આ તમામ ખેલાડીઓ IPLમાં બે કે તેથી વધુ ટીમો માટે રમ્યા છે.
એકથી વધુ ફ્રેન્ચાઈઝીના ભાગ
એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની 15મી સીઝન રમી રહ્યો છે. ચેન્નાઈ સિવાય ધોની IPL 2016 અને 2017માં રાઈઝિંગ સુપર જાયન્ટ્સ તરફથી રમ્યો હતો. રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સથી તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. તેણે 2008 થી 2010 સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. તે 2011માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો અને ત્યારથી તે ફ્રેન્ચાઈઝી સાથે છે.
દિનેશ કાર્તિક આઈપીએલમાં અલગ-અલગ ટીમો તરફથી રમી ચૂક્યો છે. તે દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહ્યો છે. દિનેશ કાર્તિક IPL 2022 મેગા-ઓક્શનમાં RCB સાથે જોડાયો.