- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ
- ભારતે પ્રથમ મેત જીતીને 1-0ની સરસાઈ મેળવી
- ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ બે વિકેટથી જીતી
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન રિંકુ સિંહે વર્લ્ડકપમાં રમવાના સપનાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. રિંકુ સિંહના કહેવા પ્રમાણે, જો તેને ટી20 વર્લ્ડ કપ 2024માં રમવાની તક મળે છે, તો તે પોતાની પ્રતિભા બતાવવા માટે તૈયાર છે. રિંકુના મતે વર્લ્ડ કપમાં રમવું તેના માટે મોટી વાત હશે અને તે આ માટે સખત મહેનત કરી રહ્યો છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટ હરાવ્યું
વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી પ્રથમ T20 મેચમાં રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી અને ટીમને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે જબરદસ્ત ઇનિંગ રમી હતી અને 42 બોલમાં 9 સિક્સ અને 4 ફોરની મદદથી 80 રન બનાવ્યા હતા. જો કે, ટીમને જીત અપાવવામાં રિંકુ સિંહનું યોગદાન ખૂબ મહત્વનું હતું, જેણે નીચલા ક્રમમાં આવીને 14 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી.
જો મને તક મળશે તો હું મારું 100 ટકા આપીશ - રિંકુ સિંહ
આ ઈનિંગ બાદ રિંકુ સિંહના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિંકુ સિંહે આગામી T20 વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રિંકુ સિંહે કહ્યું, હું T20 વર્લ્ડકપ માટે સંપૂર્ણ રીતે તૈયાર છું પરંતુ હું ભવિષ્ય વિશે વધુ વિચારતો નથી. જો મને તક મળશે તો હું ચોક્કસપણે તેનો લાભ લઈશ. ભલે તે ગમે તે ફોર્મેટમાં હોય હું મારું 100 ટકા આપીશ. વર્લ્ડ કપમાં રમવું મારા માટે મોટી વાત હશે. હું અલીગઢનો એકમાત્ર પુરૂષ ક્રિકેટર છું જે IPL અને ભારત માટે રમ્યો હોય. દરેક ક્રિકેટર પોતાના દેશ માટે વર્લ્ડકપ રમવાનું સપનું જુએ છે. મને ખબર નથી પણ જ્યારે મને વર્લ્ડકપની ટીમમાં તક મળશે ત્યારે હું કેવી પ્રતિક્રિયા આપીશ. હું તે દિવસની રાહ જોઈશ.