- ભારતે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો
- જો કે વર્લ્ડકપ ટીમમાં રિંકુ સિંહને સ્થાન ન મળ્યું
- ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે આ અંગે નિવેદન આપ્યું છે
T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું અને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. જો કે, જ્યારે ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા કારણ કે સારા પ્રદર્શન છતાં રિંકુ સિંહને સ્થાન આપવામાં આવ્યું ન હતું. રિંકુનું નામ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં હતું, જેના કારણે પસંદગી સમિતિ અને તત્કાલીન કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ટીકા થઈ હતી. જોકે, હવે રિંકુએ સિલેક્ટ ન થવા પર પોતાનું મૌન તોડ્યું છે અને રોહિતે તેને શું કહ્યું હતું તેનો ખુલાસો કર્યો છે.
IPLમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનના કારણે રિંકુ સિંહે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું અને તેણે તેને મળેલી તકોમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે T20 વર્લ્ડકપ પહેલા રમાયેલી 11 ઇનિંગ્સમાં 89ની એવરેજ અને 176.24ના સ્ટ્રાઇક રેટથી 356 રન બનાવ્યા અને પોતાને ફિનિશર તરીકે સાબિત કર્યો હતો. જો કે, તેના કરતાં શિવમ દુબેને પસંદ કરવામાં આવ્યો હતો અને રિંકુને મુખ્ય ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.













