- ICC T20 વર્લ્ડકપ 2024ની જાહેરાત 2 જૂનથી થશે
- ટીમ ઈન્ડિયાની 1લી મેના રોજ જાહેરાત કરવામાં આવશે
- રોહિત, અગરકર અને રાહુલ દ્રવિડ વચ્ચે યોજાઈ બેઠક
ICC T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગીને લઈને કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ત્રણેય વચ્ચે આ મુલાકાત રવિવારે નવી દિલ્હીમાં થઈ હતી. આ વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી 48 કલાકમાં ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે.
કોચ અને કેપ્ટન વચ્ચે યોજાઈ બેઠક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીટિંગ રોહિત, અગરકર અને દ્રવિડ વચ્ચે T20 વર્લ્ડકપ માટે નામ ફાઈનલ કરવા માટે થઈ હતી. બેઠક માટે દ્રવિડ નવી દિલ્હી આવ્યો હતો અને અગરકર અને રોહિતને મળ્યો હતો. આ ત્રણેય પહેલી વખત મળ્યા નથી. અગાઉ 26મી એપ્રિલે સાંજે તેમની બેઠક પણ યોજાઈ હતી અને તેમાં માત્ર સામાન્ય રણનીતિની ચર્ચા થઈ હતી. એવું માનવામાં આવે છે કે રવિવારે યોજાયેલી બેઠકમાં તમામ બાબતોને આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે બીસીસીઆઈએ મીટિંગને લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
IPLના આધારે પસંદગી નહીં થાય
મીટીંગમાં જે નામોની ચર્ચા કરવામાં આવી હતી તેના પરફોર્મન્સની એકંદરે ચર્ચા જોવા મળી હતી, જ્યારે IPLના પ્રદર્શનની ચર્ચા કરવામાં આવી ન હતી. વેસ્ટ ઈન્ડિઝની ધીમી પીચને ધ્યાનમાં લેતા, એવું માનવામાં આવે છે કે IPLના કેટલાક ટોચના સ્કોરર ટીમમાં સ્થાન મેળવવાથી ચૂકી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLની વર્તમાન સિઝનમાં પ્રભાવ પાડી શકનારા ઈન-ફોર્મ સંજુ સેમસન અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને જગ્યા નહીં મળે. તે જ સમયે, વિરાટ કોહલી છઠ્ઠો T20 વર્લ્ડકપ રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
પ્રથમ બેચ 21મી મેના રોજ રવાના થશે
T20 વર્લ્ડકપ 1 જૂનથી રમાવાનો છે અને ભારતીય ટીમની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ બે બેચમાં જશે. ભારતીય ટીમની પ્રથમ બેચ 21 મેના રોજ રવાના થશે. IPL 2024ની ફાઈનલ મેચ 26મી મેના રોજ રમાશે અને પ્લેઓફ ટીમોની પસંદગી 21મી મે પહેલા લગભગ નિશ્ચિત થઈ જશે. આવી સ્થિતિમાં, જે ખેલાડીઓની ટીમ IPL પ્લેઓફમાં સ્થાન મેળવી શકશે નહીં તે પ્રથમ બેચમાં જશે, જ્યારે અન્ય ખેલાડીઓ IPL ફાઈનલના બીજા દિવસે 27 મેના રોજ રવાના થશે.
1લી મેના રોજ જાહેરાત કરવામાં આવશે
BCCI 1 મેના રોજ T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરશે. ન્યુઝીલેન્ડે સોમવારે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જોકે, એવું માનવામાં આવે છે કે BCCI સેક્રેટરી જય શાહની ગેરહાજરીને કારણે ટીમની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જય શાહ હાલમાં લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે અને તેઓ ઉપલબ્ધ થશે ત્યારે ટીમની જાહેરાત કરવામાં આવશે.