• શ્રીલંકા સામે ભારત ODI અને T20 સિરીઝ રમશે
  • રોહિત શર્માની ભારતીય ટીમમાં થશે વાપસી
  • આ સિરીઝમાં વિરાટ-બુમરાહને અપાશે આરામ

શ્રીલંકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટુંક સમયમાં જાહેરાત થઇ શકે છે. ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલી નવી અપડેટ સામે રહી છે. એક અહેવાલ અનુસાર રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસ પર વનડે સિરીઝ રમતા જોવા મળી શકે છે. જો આમ થશે તો તે આ સિરીઝમાં કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળતો જોવા મળશે. રોહિતની શ્રીલંકામાં વનડે સિરીઝ રમવાની શક્યતાઓ છે કારણ કે ભારતે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘણી વન-ડે રમવાની નથી.

સિનિયર ખેલાડીઓને અપાયો હતો બ્રેક

ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરદાર જશ્ન મનાવ્યો અને ત્યારબાદ સિનિયર ખેલાડીઓને બ્રેક આપવામાં આવ્યો. આ કારણે રોહિત સહિત ઘણા મોટા ખેલાડીઓ ઝિમ્બાબ્વે સિરીઝમાં જોવા મળ્યા ન હતા અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે રોહિત શ્રીલંકા સામેની વનડે મેચમાં જોવા નહીં મળે. જોકે હવે આમાં ફેરફાર જોવા મળી શકે છે.

શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રમશે રોહિત શર્મા

હાલમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઈચ્છે છે કે સિનિયર ખેલાડીઓ શ્રીલંકા સામેની ODI સિરીઝમાં ભાગ લે, કારણ કે આ પછી ફરી એક લાંબો બ્રેક મળવાનો છે. જો કે હવે એવા સંકેત મળી રહ્યા છે કે નિયમિત કેપ્ટન રોહિત શર્મા વાપસી કરી શકે છે. રોહિતે છેલ્લે T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લીધો હતો અને ત્યારથી તે બ્રેક પર છે. આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને તે પહેલા ટીમ ઈન્ડિયાએ ઘણી મેચ રમવાની નથી. આ કારણે રોહિત શ્રીલંકા સિરીઝ રમવાનો નિર્ણય લઈ શકે છે.


પરિવાર સાથે રજા ગાળી રહ્યો છે રોહિત

રોહિત શર્મા પોતાના પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ તે પત્ની અને પુત્રી સાથે યુકેની મુલાકાતે ગયો હતો. જો કે, રોહિતે હજુ સુધી શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રમવા અંગે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ, એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તે બીસીસીઆઈને તેની ઉપલબ્ધતા વિશે જાણ કરશે.

ટીમ સિલેક્શનને લઇ ગંભીરે કરી બેઠક

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને અજીત અગરકરની આગેવાની હેઠળની બેઠકમાં BCCI સચિવ જય શાહ પણ હાજર છે. નવા મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીરે પોતાના ઘરેથી ઓનલાઈન ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરે ખેલાડીઓની પસંદગીને લઈને સિલેક્ટર્સ સાથે ઘણી ચર્ચા કરી છે.

રાહુલ, ઐયરની વાપસી, વિરાટ-બુમરાહને અપાશે આરામ

જો અહેવાલોનું માનીએ તો કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર શ્રીલંકા પ્રવાસમાં વાપસી કરી શકે છે. જ્યારે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવશે. જો રોહિત શર્મા ODI સિરીઝ માટે પરત ફરે છે તો સ્પષ્ટ છે કે કેએલ રાહુલ શ્રીલંકા પ્રવાસ પર વનડેમાં કેપ્ટનશીપ કરતા જોવા મળશે નહીં. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ઓગસ્ટથી વનડે સિરીઝ શરૂ થશે. તે પહેલા 27 જુલાઈથી ટી-20 સિરીઝ રમાશે, જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાની ચર્ચા છે.


  • Follow us on: